Election Results 2026: શું તમે જાણો છો RO અને ARO કોણ હોય છે? વિધાનસભા ચૂંટણીની મતગણતરી અને અધિકારીઓના પગાર વિશેની સંપૂર્ણ માહિતી
ભારતની રાજનીતિ માટે આજનો દિવસ અત્યંત મહત્વનો છે. પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આંકડાઓની પાછળ હજારો કર્મચારીઓની સખત મહેનત હોય છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) ના કડક નિયમો હેઠળ આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

કોણ કરે છે મતોની ગણતરી?
મતગણતરીની પ્રક્રિયા કોઈ એક વ્યક્તિ નહીં, પણ એક આખી સત્તાવાર ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. આ ટીમનું નેતૃત્વ રિટર્નિંગ ઓફિસર (RO) કરે છે. તેમની સાથે નીચે મુજબના અધિકારીઓ કાર્યરત હોય છે:
રિટર્નિંગ ઓફિસર (RO): સામાન્ય રીતે જિલ્લાના કલેક્ટર (DM) અથવા કોઈ વરિષ્ઠ IAS/IPS અધિકારી આ પદ પર હોય છે. તે મતગણતરી કેન્દ્રના સર્વોચ્ચ વડા છે.
આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર (ARO): RO ને મદદ કરવા માટે SDM અથવા તહેસીલદાર સ્તરના અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે.
કાઉન્ટિંગ સુપરવાઈઝર: દરેક મતગણતરી ટેબલ પર એક સુપરવાઈઝર હોય છે, જે ગેઝેટેડ ઓફિસર (વર્ગ-૨ અથવા તેનાથી ઉપરના) હોય છે.
કાઉન્ટિંગ આસિસ્ટન્ટ: સુપરવાઈઝરની મદદ માટે એક કે બે સહાયકો હોય છે, જે EVM અને બેલેટ પેપરની ભૌતિક ગણતરીમાં મદદ કરે છે.
માઈક્રો ઓબ્ઝર્વર: આ કેન્દ્ર સરકારના કર્મચારીઓ હોય છે, જેનું કામ ગણતરીમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવાનું અને નિયમોનું પાલન થાય છે કે નહીં તે જોવાનું હોય છે.
કામગીરી બદલ કેટલું મળે છે મહેનતાણું (પગાર)?
ચૂંટણી ડ્યુટીમાં રોકાયેલા કર્મચારીઓને બે રીતે નાણાકીય લાભ મળે છે: એક તેમનો નિયમિત માસિક પગાર અને બીજું ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતું વિશેષ ભથ્થું (Honorarium).

અધિકારીઓનો અંદાજિત માસિક પગાર (૭મા પગાર પંચ મુજબ):
રિટર્નિંગ ઓફિસર (RO): તેમનો માસિક પગાર ૭૮,૮૦૦ થી ૨,૨૫,૦૦૦ રૂપિયા સુધી હોય છે (લેવલ ૧૪ મુજબ).
આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર (ARO): તેમનો પગાર ૫૬,૧૦૦ થી ૧,૭૭,૫૦૦ રૂપિયા ની વચ્ચે હોય છે.
ચૂંટણી પંચ દ્વારા અપાતું માનદ વેતન (Honorarium):
સીનિયર ઓફિસર્સ (DEO/RO/ARO): ચૂંટણી પંચના દિશાનિર્દેશો મુજબ, આ વરિષ્ઠ અધિકારીઓને તેમની જટિલ કામગીરી બદલ તેમના એક મહિનાના મૂળ પગાર (Basic Pay) જેટલું એકમશુત બોનસ અથવા માનદ વેતન આપવામાં આવે છે.
કાઉન્ટિંગ સુપરવાઈઝર: તેમને મતગણતરીના દિવસની ડ્યુટી અને ટ્રેનિંગ મળીને આશરે ૧,૫૦૦ થી ૧,૮૫૦ રૂપિયા ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત તેમને ભોજન ભથ્થું પણ મળે છે.
માઈક્રો ઓબ્ઝર્વર: તેમને ડ્યુટી અને ટ્રેનિંગના અંદાજે ૧,૦૦૦ થી ૧,૨૦૦ રૂપિયા મળે છે.
કાઉન્ટિંગ આસિસ્ટન્ટ: તેમને આશરે ૮૦૦ થી ૧,૦૦૦ રૂપિયા સુધીનું ભથ્થું મળતું હોય છે.
પારદર્શિતાની ખાતરી
તમારા મતોની ગણતરી માત્ર સરકારી કર્મચારીઓ જ નથી કરતા, પરંતુ દરેક ઉમેદવારના ‘કાઉન્ટિંગ એજન્ટ’ પણ ત્યાં હાજર હોય છે. આથી, EVM માં નોંધાયેલા મતો અને પરિણામોમાં કોઈ ગેરરીતિની શક્યતા રહેતી નથી.
