Reliance: રિલાયન્સનો મહાપ્લાન: આંધ્રપ્રદેશમાં સ્થપાશે ભારતનું સૌથી મોટું AI ડેટા સેન્ટર, ₹1.6 લાખ કરોડનું જંગી રોકાણ
આજના આધુનિક યુગમાં ‘ડેટા’ ને નવું તેલ (New Oil) માનવામાં આવે છે. જેની પાસે ડેટા પર નિયંત્રણ અને સંગ્રહ કરવાની ક્ષમતા છે, તે ભવિષ્યની અર્થવ્યવસ્થા પર રાજ કરશે. આ જ કારણ છે કે વિશ્વભરની ટેક કંપનીઓ ડેટા સેન્ટર્સ બનાવવા માટે સ્પર્ધા કરી રહી છે. ભારતમાં એરટેલ, ટાટા અને અદાણી જેવી કંપનીઓ આ ક્ષેત્રમાં પહેલેથી સક્રિય છે, પરંતુ હવે મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) આ ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પગલું ભરવા જઈ રહી છે.

રિલાયન્સનો માસ્ટરસ્ટ્રોક: 1.6 લાખ કરોડનું રોકાણ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 1.5 ગીગાવોટ (GW) ની ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર ક્લસ્ટર સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ માટે કંપની અંદાજે ₹1.6 લાખ કરોડ ($19 Billion) નું જંગી રોકાણ કરશે. આ માત્ર ભારતનું જ નહીં, પણ સંભવતઃ વિશ્વના સૌથી મોટા ડેટા સેન્ટર ક્લસ્ટર્સમાંનું એક હશે. આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે રિલાયન્સ અહીં ગીગા-સ્કેલ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ડેટા સેન્ટરની સાથે સાથે એક કેપ્ટિવ સોલર બેટરી સ્ટોરેજ સિસ્ટમ પણ સ્થાપિત કરશે, જે આ પ્રોજેક્ટને ઉર્જાની દ્રષ્ટિએ આત્મનિર્ભર બનાવશે.
ગૂગલના પ્રોજેક્ટને પણ પછાડશે
વિશાખાપટ્ટનમમાં ગૂગલ દ્વારા પણ 15 અબજ ડોલરના ખર્ચે 1-GW નો ડેટા સેન્ટર પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. જોકે, રિલાયન્સનો 1.5-GW નો પ્લાન ગૂગલના પ્રોજેક્ટ કરતા પણ મોટો હશે. રિલાયન્સ આ પ્રોજેક્ટને ત્રણ તબક્કામાં પૂર્ણ કરવાની યોજના ધરાવે છે, જેના માટે કંપનીએ આશરે 935 એકર જમીનની માંગણી કરી છે. જેમાં મુખ્ય ડેટા સેન્ટર માટે 300 એકર, બીજા તબક્કા માટે 635 એકર અને વોટર ડિસેલિનેશન પ્લાન્ટ માટે 80 એકર જમીનનો સમાવેશ થાય છે.
વિશાખાપટ્ટનમ: ભારતનું નવું ‘ડેટા હબ’
વિશાખાપટ્ટનમ (વાઈઝાગ) ઝડપથી ભારતના ડેટા સેન્ટર કેપિટલ તરીકે ઉભરી રહ્યું છે. રિલાયન્સ અને ગૂગલ ઉપરાંત અન્ય મોટી કંપનીઓ પણ અહીં રોકાણ કરી રહી છે:
Sify: 500 મેગાવોટ (MW) નું ડેટા સેન્ટર.
Digital Connexion: 1 GW ની ક્ષમતાનો પ્રોજેક્ટ.
Anant Raj Cloud: 300 MW ક્ષમતા.
RMZ અને Tillman Global: અનુક્રમે 1 GW અને 300 MW ના એમઓયુ (MoU).

સરકારની આકર્ષક નીતિઓનો લાભ
આંધ્રપ્રદેશ સરકારની ‘ડેટા સેન્ટર પોલિસી 4.0’ આ રોકાણોને આકર્ષવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. રાજ્ય સરકારે સપ્ટેમ્બર 2025 માં 6 GW હોસ્ટિંગ ક્ષમતાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે રિલાયન્સના આ પ્રોજેક્ટ સાથે લગભગ પૂર્ણ થવા જઈ રહ્યો છે. સરકાર આ પ્રોજેક્ટ્સ માટે નીચે મુજબના પ્રોત્સાહનો આપી રહી છે:
GST રિઈમ્બર્સમેન્ટ: કેપિટલ ગુડ્સ પર 100% સ્ટેટ GST પરત.
કેપિટલ સબસિડી: મશીનરી પર 10% સુધીની સબસિડી.
ઉર્જા લાયસન્સ: 300 MW થી વધુના પ્રોજેક્ટ્સ માટે સીધી વીજળી ખરીદવા માટે ‘ડીમ્ડ ડિસ્ટ્રિબ્યુશન લાયસન્સ’.
