સાવધાન! ગરમી બની રહી છે ‘Silent killer’, એશિયા અને આફ્રિકાના દેશો માટે મોટી ચેતવણી
યુએન-હેબિટેટ અને યુએનઈપીના સહયોગથી તૈયાર કરાયેલી વર્લ્ડ બેંકની નવી હેન્ડબુકમાં જણાવવામાં આવ્યું છે કે વધતું જતું તાપમાન શહેરો માટે સૌથી મોટો જીવલેણ અને આર્થિક ખતરો બની રહ્યું છે.
ગરીબ વર્ગ પર ગરમીનો માર
આ અભ્યાસ મુજબ, ગરમીનો સૌથી વધુ માર ‘ગ્લોબલ સાઉથ’ એટલે કે વિકાસશીલ દેશોના શહેરો પર પડશે. પશ્ચિમ આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં અત્યંત ગરમીની સ્થિતિમાં જીવતા ગરીબોની સંખ્યામાં સાત ગણો વધારો થવાની આશંકા છે. મર્યાદિત સંસાધનો ધરાવતા દેશો માટે આ આબોહવા પરિવર્તન સામે ટકી રહેવું એક મોટો પડકાર બની રહેશે.
શહેરો કેમ વધુ ગરમ બની રહ્યા છે?
વર્લ્ડ બેંકે ભીષણ ગરમીને ‘સાયલન્ટ કિલર’ ગણાવી છે. શહેરોમાં કોંક્રિટ અને ડામરના રોડ તેમજ હરિયાળીના અભાવને કારણે ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ તાપમાન 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ વધુ રહે છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે, તો 2050 સુધીમાં ગરમીને કારણે કાર્યક્ષમતા ઘટવાથી વૈશ્વિક જીડીપી (GDP) માં 1.4% થી 1.7% નો ઘટાડો થઈ શકે છે.
બચવા માટેના ઉપાયો
વર્લ્ડ બેંકે આ સંકટનો સામનો કરવા માટે કેટલાક અસરકારક સૂચનો આપ્યા છે:
કૂલ રૂફ: ધાબા પર સફેદ પેઈન્ટ અથવા રિફ્લેક્ટિવ ટાઈલ્સ લગાવવાથી ઘરની અંદરના તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો કરી શકાય છે.
ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર: શહેરોમાં વધુ વૃક્ષો વાવવા અને નાના જંગલો (પોકેટ ફોરેસ્ટ) બનાવવા જેથી કુદરતી ઠંડક મળી રહે.
શહેરી આયોજન: ઈમારતો વચ્ચે યોગ્ય વેન્ટિલેશન રાખવું અને ગરમી શોષી લે તેવા બાંધકામ મટિરિયલનો ઉપયોગ કરવો.
