વડોદરાનાં કારેલીબાગ વિસ્તારમાં રહેતો શખ્શ દ્વારા ટેલીગ્રામ પર જાેબ આપવાની લાલચ આપવામાં આવતી હતી. ત્યારે આરોપીઓ દ્વારા એરોઝ મીડિયા વર્લ્ડ નામની વેબસાઈટ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી ટાસ્ક પુરા કરવાનાં બહાને એકાઉન્ટમાંથી રૂપિયા સેરવી લેતા હતા. જેમાં એક નાગરિકને આપવામાં આવેલ ટાસ્કમાં ૭૫ હજારનાં રોકાણ સામે ૯૭ હજાર ૨૦૦ નું વળતર આપી વિશ્વાસ કેળવ્યો હતો. જે બાદ યુવક વિશ્વાસમાં આવી અલગ અલગ ટાસ્ક પૂરા કરી વધુ વળતરની લાલચે નાગરિકે ૨૧ લાખથી વધુની રકમ ગુમાવી હતી. જે બાદ ફરિયાદીને માલુમ પડ્યું કે તેની સાથે છેતરપીંડી થઈ છે. આ બાબતે ફરિયાદીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગરની ટોળકીનાં ૬ સભ્યોને ઝડપી પાડ્યા હતા.ઝડપાયેલા તમામ આરોપીઓ જીગર શુક્લ, જતીન પટેલ, સંદીપ પંડ્યા, પ્રદ્યુમ્ન વાઘેલા, રિયાઝ પઠાણ, ખાલિદ પઠાણની ધરપકડ કરી હતી. જ્યારે આરોપી જીગર શુક્લના ડમી બેંક એકાઉન્ટમાંથી ૬ કરોડનાં વ્યવહારો મળી આવ્યા હતા. આરોપીઓએ હોંગકોંગ,UAE, કંબોડિયામાં પણ બેંક ખાતાનો ઉપયોગ કર્યો હતો. પોલીસ દ્વારા કરાયેલ તપાસમાં ૨૨ કરોડથી વધુનાં વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું છે.