Facebook અને Instagram જેવી સુવિધા હવે WhatsApp પર
ડિજિટલ કમ્યુનિકેશનને વધુ સુરક્ષિત અને સરળ બનાવવા માટે WhatsAppએ એક નવું અને લાંબા સમયથી રાહ જોવાતું ફીચર રજૂ કરવાનું શરૂ કર્યું છે. હવે યુઝર્સને કોઈને સંપર્ક કરવા માટે પોતાનો મોબાઇલ નંબર શેર કરવાની જરૂર નહીં પડે. કંપની “યૂઝરનેમ” ફીચર રોલઆઉટ કરી રહી છે, જેના દ્વારા યુઝર્સ પોતાની ઓળખ વધુ ખાનગી રાખીને સરળતાથી ચેટ કરી શકશે.
આ નવા ફીચર હેઠળ, યુઝર્સ પોતાના એકાઉન્ટ માટે એક અનન્ય યુઝરનેમ બનાવી શકશે. આ સુવિધા પહેલાથી જ Facebook અને Instagram જેવા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. હવે WhatsApp પર પણ કોઈ વ્યક્તિ સાથે જોડાવા માટે નંબરની જગ્યાએ યુઝરનેમ શેર કરી શકાય છે. આથી વ્યક્તિગત માહિતી વધુ સુરક્ષિત રહેશે અને અજાણ્યા લોકો સાથે નંબર શેર કરવાની જરૂર રહેશે નહીં.
જો કોઈ યુઝર પહેલેથી Facebook અથવા Instagram પર જે યુઝરનેમ વાપરે છે, તે જ નામ WhatsApp પર રાખવા માંગે છે, તો તે શક્ય બની શકે છે. પરંતુ આ માટે તે યુઝરનેમ ઉપલબ્ધ હોવો જરૂરી છે. જો કોઈ અન્ય યુઝર પહેલેથી જ તે નામ લઈ ચૂક્યો હોય, તો નવું અને અલગ યુઝરનેમ પસંદ કરવું પડશે.
યૂઝરનેમ સેટ કરવાની પ્રક્રિયા પણ સરળ રાખવામાં આવી છે. યુઝરને WhatsApp ખોલીને પોતાના પ્રોફાઇલ વિભાગમાં જવું પડશે, જ્યાં યુઝરનેમનો વિકલ્પ મળશે. ત્યાં પોતાની પસંદગીનું નામ દાખલ કરીને તેને સબમિટ કરી શકાય છે. જો તે નામ ઉપલબ્ધ હશે, તો તરત જ સેટ થઈ જશે.
હાલમાં આ ફીચર તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. કંપની તેને ધીમે ધીમે પસંદ કરાયેલા Android અને iPhone યુઝર્સ માટે જારી કરી રહી છે. હાલમાં તે પરીક્ષણના તબક્કામાં છે અને સંપૂર્ણ રીતે લોન્ચ થવામાં થોડો સમય લાગી શકે છે. તેથી, નવા ફીચર્સનો લાભ લેવા માટે એપને અપડેટ રાખવું મહત્વપૂર્ણ છે.
