ભારત વિવિધતાનો દેશ છે. અહીં તમને દરેક રાજ્યમાં કંઈક અનોખું જાેવા મળશે, જે આ દેશ પ્રત્યે તમારો દૃષ્ટિકોણ બદલી નાખશે. કેટલીક જગ્યાઓ પર તમે ખૂબ જ ગીચ વસ્તી જાેશો અને અન્ય સ્થળોએ તમે ર્નિજન વિસ્તારો પણ જાેશો. આ બધું હોવા છતાં પણ આ દેશ પોતાનામાં ખૂબ જ ખાસ છે. આજે અમે તમને ભારતના એક અનોખા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ગામની વિશેષતા એ છે કે અહીં કોઈ રસ્તા નથી, અને આ ગામમાં માત્ર ૧ પરિવાર જ રહે છે. ભારતમાં આ ગામનું નામ બર્ધનારા નંબર ૨ છે. આ જ નામનું બીજું ગામ છે જેનું નામ બર્ધનારા નં.૧ છે.
તમને જણાવી દઈએ કે આ ગામ આસામના નલબારી જિલ્લામાં આવે છે. ઘણા વર્ષો પહેલા આસામના એક મુખ્યમંત્રીએ ગામમાં એક રસ્તાનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ હવે તે રસ્તો તૂટી ગયો છે, તેનો કોઈ પત્તો નથી. આ એકમાત્ર રસ્તો ગામને મુખ્ય શહેર સાથે જાેડતો હતો. પરંતુ હવે માત્ર કાચા રસ્તાઓ છે. ઘણા દાયકાઓ પહેલા આ ગામમાં ઘણા લોકો રહેતા હતા. પરંતુ ૨૦૧૧માં થયેલી વસ્તી ગણતરી મુજબ નંબર-૨ બર્ધનારા ગામમાં માત્ર ૧૬ લોકો જ બાકી રહ્યા હતા. પરંતુ હવે આ સંખ્યા વધુ ઘટી ગઈ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને એનડીટીવીના અહેવાલો અનુસાર, હવે આ ગામમાં માત્ર ૧ પરિવાર રહે છે જેમાં ૫ સભ્યો છે. અહીં કોઈ રસ્તા ન હોવાને કારણે લોકો અહીંથી નીકળી ગયા હતા અને વરસાદના દિવસોમાં લોકોને ઘણી અસુવિધાનો સામનો કરવો પડે છે. આજે પણ આ ગામમાં રહેતા પરિવારને વરસાદના દિવસોમાં હોડીના સહારે મુસાફરી કરવી પડે છે. પરિવારના વડાનું નામ બિમલ ડેકા છે, જ્યારે તેમની પત્ની અનિમા અને તેમના ત્રણ બાળકો નરેન, દિપાલી અને સિયુતિ આ ગામમાં રહે છે.
અહેવાલો અનુસાર, બિમલ ડેકાના બાળકોએ જણાવ્યું કે, તેમને શાળાએ જવા માટે કાદવવાળા રસ્તા પર ૨ કિમી ચાલીને જવું પડે છે. વરસાદમાં તેઓ હોડી દ્વારા જ મુસાફરી કરે છે. આટલી વિકટ પરિસ્થિતિમાં જીવવા છતાં બિમલે તેના ત્રણ બાળકોને સારું શિક્ષણ આપ્યું છે. દીપાલી અને નરેન સ્નાતક થયા છે જ્યારે સિયુતિ ૧૨માં ધોરણમાં છે. તેમનું કહેવું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગ્રામ પંચાયત તે વિસ્તારની કાળજી લેતા નથી. જેના કારણે ગામમાં સ્થિતિ બગડી છે. બિષ્ણુરામ મેધીએ થોડા વર્ષો પહેલા આ રોડનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ તે હવે બગડી ગયો છે. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમ છતાં તેમાં કોઈ સુધારો થયો નથી.