દિલ્હીમાં જી૨૦ સમિટ દરમિયાન હોટેલ તાજ પેલેસમાં હડકંપ મચી ગયો હતો. તેનું કારણ હતું ચાઈનીઝ પ્રતિનિધિમંડળનીં રહસ્યમય બેગ. લગભગ ૧૨ કલાક સુધી આ ચીનના પ્રતિનિધિમંડળના એક સભ્યનો હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. આ બેગમાં એક વિચિત્ર દેખાતો ડિવાઈસ મૂકેલો હતો જેને લઈને સુરક્ષાકર્મીઓને શંકા થઈ હતી.
જી૨૦ સમિટ માટે ભારત આવેલા ચીનના પ્રતિનિધિમંડળને તાજ પેલેસ હોટેલમાં રોકાણ અપાયું હતું જ્યાં બ્રાઝિલનું પ્રતિનિધિમંડળ પણ હાજર હતું. દરમિયાન ચીનના પ્રતિનિધિમંડળના એક સભ્ય પાસે વિચિત્ર બેગ જાેવા મળી હતી. પ્રોટોકોલ અનુસાર એ બેગ હોટેલના સિક્યોરિટી દ્વારા ચેક કરવામાં આવી નહોતી. પછી હોટેલ સ્ટાફે દિલ્હી પોલીસ અન સુરક્ષાદળોને બેગમાં એક વિચિત્ર સ્વરૂપ ધરાવતા ડિવાઈસ વિશે જાણકારી આપી હતી.
હોટેલ સ્ટાફને ત્યારે વાંધો પડ્યો જ્યારે સુરક્ષાદળોએ ચીનના પ્રતિનિધિમંડળને આ બેગને સ્કેનરમાં નાખવાની અપીલ કરી પણ તેમણે આવું કરવાનો ઈનકાર કરી દીધો. ચીનના પ્રતિનિધિમંડળના સભ્યોએ સ્પષ્ટ કહ્યું કે તેઓ બેગ ચેક નહીં કરાવે. આશરે ૧૦થી ૧૨ કલાક સુધી બેગ અંગે હોબાળો મચ્યો, સુરક્ષાદળો ૧૨ કલાક સુધી એ જ રૂમની બહાર તહેનાત રહ્યા જેના પછી બેગને ચીનના દૂતાવાસે પરત મોકલી દેવાઈ. બેગમાં જેમર સિસ્ટમ હોવાની આશંકા હતી. જાેકે અત્યાર સુધી એ બેગમાં કયો ડિવાઈસ મૂકેલો હતો તે રહસ્ય જ છે.