ભારતીય ફેન્સ માટે યુએસઓપનમાંથી એક સારા સમાચાર આવ્યા છે જેમાં ભારતના રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયાના પાર્ટનર મેથ્યુ એબ્ડેનની જાેડીએ ગઈકાલે યુએસ ઓપનના મેન્સ ડબલ્સની ફાઈનલમાં પહોંચી ગયા છે. આ સાથે જ રોહન બોપન્નાએ ઈતિહાસ રચતા એક રેકોર્ડ પણ બનાવ્યો છે. બોપન્ના પહેલા અન્ય કોઈ પુરુષ ખેલાડી આ ઉમ્રમાં ઓપન યુગમાં કોઈપણ ગ્રાન્ડસ્લેમની ફાઈનલમાં પહોંચ્યા નથી.રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેનનની જાેડીએ ગઈકાલે યુએસઓપનની સેમી ફાઈનલમાં ફ્રેન્ચ જાેડીને ૭-૬, ૬-૨થી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી.
આ સાથે રોહન બોપન્ના ૧૩ વર્ષની લાંબી રાહ બાદ ગ્રાન્ડ સ્લેમમાં મેન્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચી ગયો છે. ૪૩ વર્ષીય રોહન બોપન્ના માત્ર બીજી વખત મેન્સ ડબલ્સની ફાઇનલમાં રમશે. આ પહેલા ૨૦૧૦માં પણ બોપન્નાએ યુએસઓપનમાં મેન્સ ડબલ્સની ફાઈનલ મેચ રમી હતી.યુએસઓપન ૨૦૨૩ના મેન્સ ડબલ્સની ફાઈનલમાં બોપન્ના અને એબ્ડેનની ટક્કર ત્રીજા ક્રમાંકિત અમેરિકાના રાજીવ રામ અને બ્રિટેનના જાે સેલિસ્બરી સામે આર્થર એશ સ્ટેડિયમમાં થશે. રામ અને સેલિસ્બરી બે વખત યુએસઓપન મેન્સ ડબલ્સ ચેમ્પિયન છે.