ભારતમાં બેન્કો ઘણી વખત ગ્રાહકની સાથે છેતરપિંડીભર્યું વલણ અપનાવતી હોય છે જેના કારણે ગ્રાહકને મોટું નુકસાન જાય છે. આવા કિસ્સામાં ગ્રાહકે ન્યાય મેળવવા માટે અદાલતની શરણે જવું પડે છે. સુરતના નવસારીમાં પણ આવી જ એક ઘટના બની છે. નવસારીના એક NRI ખાતેદારના એકાઉન્ટમાંથી બેન્ક ઓફ બરોડાએ લગભગ ૨૪ લાખ રૂપિયા કપાત કરી લીધા બાદ ગ્રાહક સુરક્ષા પંચે એનઆરઆઈ ગ્રાહકને ૨૪ લાખ રૂપિયા પરત કરવા અને તેના પર ૯ ટકા લેખે વ્યાજ પણ ચુકવવા બેન્કને આદેશ આપ્યો છે. આ કેસની વિગત એવી છે કે દિલીપ કુમાર પટેલ નામના એનઆરઆઈ ઝામ્બિયામાં વસે છે. તેમણે બેન્ક ઓફ બરોડામાં ૨.૪૨ કરોડની ફિક્સ ડિપોઝિટ રાખી હતી. આ એફડીની મુદત પાકી ગઈ ત્યારે બેન્ક ઓફ બરોડાએ ૨૪.૩૧ લાખ રૂપિયા ગેરકાયદે રીતે કાપી લીધા હતા તેવી ફરિયાદ છે. ગ્રાહક સુરક્ષા કમિશને દિલીપકુમાર પટેલને ૨૪.૩૧ લાખની રકમ ચુકવવા આદેશ આપ્યો છે એટલું જ નહીં, પટેલને જે માનસિક ત્રાસ મળ્યો છે તે બદલ ૨૫,૦૦૦ રુપિયા ચુકવવા અને કાનૂની ખર્ચ પેટે ૧૦,૦૦૦ રૂપિયા ચુકવવા ગ્રાહક સુરક્ષા પંચે આદેશ આપ્યો છે. દિલીપ કુમાર પટેલે નવસારીની ભુલા ફળિયા બ્રાન્ચમાં ૩૦ મે ૨૦૧૨ના રોજ ફિક્સ ડિપોઝિટમાં ૬૦ મહિના માટે ૧.૧૪ કરોડ રૂપિયા મુક્યા હતા. આ એફડી ૩૦ મે ૨૦૧૭ના રોજ પાકી ગઈ હતી જેને ફરીથી ૬૦ મહિના માટે એફડીમાં મુકવામાં આવી હતી જેનો વ્યાજદર ૬.૭૫ ટકા હતો.
આ રકમ ૩૦ મે ૨૦૨૨ના રોજ મેચ્યોર થઈ હતી અને તેની રકમ વધીને ૨.૪૨ કરોડ થઈ ગઈ હતી. દિલિપ પટેલે ૨૦૧૮માં પોતાનું એકાઉન્ટ ઓનલાઈન ચેક કર્યું તો તેને જાણવા મળ્યું કે બેન્કે વ્યાજદર ઘટાડી દીધો છે. પટેલે બેન્કને મેઈલ કર્યો કારણ કે બેન્ક ૬.૭૫ ટકા વ્યાજ ચુકવવા સહમત થઈ હતી. પટેલની એફડી રિન્યુએબલ હતી અને તેથી મે ૨૦૨૨ના રોજ આ એફડી પાકી ગઈ ત્યારે બંને પાર્ટીની મંજૂરી મુજબ એફડી રિન્યુ થઈ ગઈ હતી. નવેમ્બર ૨૦૨૨માં પટેલને રૂપિયાની જરૂર પડવાથી તેણે બેન્ક પાસે માગણી કરી કે તે પાકતી મુદતે તેની જે એફડીની રકમ વધીને ૨.૪૨ કરોડ થઈ ગઈ છે તે આપવામાં આવે અને તેની ઉપર પાંચ મહિનાનો વ્યાજ પણ ચુકવવામાં આવે. જાેકે, બેન્કે કહ્યું કે પટેલને માત્ર ૨.૩૪ કરોડ રૂપિયા જ મળશે. તેથી પટેલે બેન્કના અધિકારીઓને ફરિયાદ કરી પણ તેનો કોઈ ઉકેલ ન આપ્યો. બેન્કની દલીલોથી કંટાળીને દિલીપ પટેલે ૧૧ નવેમ્બર ૨૦૨૨ના રોજ તેનું એફડી એકાઉન્ટ બંધ કરી દીધું અને બેન્ક ઓફ બરોડા પાસેથી ૨.૪૨ કરોડ માગ્યા. ત્યારે બેન્ક ઓફ બરોડા માત્ર ૨.૧૮ કરોડ ચુકવવા તૈયાર થઈ. આ ઉપરાંત બેન્કે ૬.૭૫ ટકા લેખે વ્યાજ ચુકવવાના બદલે ૪.૫ ટકા વ્યાજ ચુકવ્યું. આનાથી કંટાળી ગયેલા પટેલ ગ્રાહક સુરક્ષા કમિશનમાં ગયા અને વ્યાજ પેટે રૂ. ૩૦ લાખ, માનસિક સતામણી લેખે ૭ લાખ રૂપિયા અને કાનૂની ખર્ચના ૩ લાખ રૂપિયાની માંગણી કરી. બંને પક્ષોને સાંભળીને અને બંનેના પૂરાવાને ધ્યાનમાં રાખીને ગ્રાહક પંચે કહ્યું કે બેન્ક ઓફ બરોડાએ અયોગ્ય ટ્રેડ પ્રેક્ટિસ અપનાવી છે અને ફરિયાદી ૨૪.૩૧ લાખ રૂપિયા મેળવવાનો અધિકાર ધરાવે છે.