ચાલુ વર્ષમાં આઈપીઓ માર્કેટમાં ઘણી હલચલ જાેવા મળી છે જે આગામી સપ્તાહમાં પણ ચાલુ રહેશે. આગામી અઠવાડિયામાં શેરબજારમાં ત્રણ મેઈન બોર્ડ આઈપીઓ આવવાના છે જેના દ્વારા ૧૩૦૦ કરોડથી વધારે રૂપિયા એકત્ર કરવામાં આવશે. હાલમાં દરેક સપ્તાહ વીતવાની સાથે પ્રાઈમરી બજારમાં પ્રવૃત્તિ વધતી જાય છે. સોમવારથી શરૂ થતા અઠવાડિયામાં રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગ, જ્યુપિટર લાઈફ લાઈન હોસ્પિટલ્સ અને ઈએમએસ લિમિટેડના આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે ખુલશે.
Ratnaveer Precision Engineering ની પબ્લિક ઓફર ૪ સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમ્બર સુધી ખુલી રહેશે. તેમાં ૧.૩૮ કરોડ શેરનો ફ્રેશ ઈશ્યૂ અને ૩૦.૪ લાખ શેરની ઓફર ફોર સેલ સામેલ છે. આ આઈપીઓની સાઈઝ ૧૬૫ કરોડ રૂપિયા છે.રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગ એ સ્ટેનલેસ સ્ટીલ પ્રોડક્ટ કંપની છે જે ફિનિશ્ડ સ્ટીલ, વોશર્સ, સોલર રૂફિંગ હૂક, પાઈપ્સ અને ટ્યૂબ્સનું ઉત્પાદન કરે છે. આ ઓફર ફોર સેલ હેઠળ પ્રમોટર વિજય સંઘવી દ્વારા ૩૦.૪ લાખ શેર વેચવામાં આવશે. કંપનીએ ૯૩થી ૯૮ રૂપિયા પ્રતિ શેરની પ્રાઈશ બેન્ડ ફિક્સ કરી છે. લોટ સાઈઝ ૧૫૦ શેરની રહેશે.
જુપિટર હોસ્પિટલ્સનો આઈપીઓ ૬ સપ્ટેમ્બરે ખુલશે અને ૮ સપ્ટેમ્બરે બંધ થશે. કંપનીએ ૬૯૫થી ૭૩૫ રૂપિયાની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે જેના દ્વારા ૮૬૯ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવશે. આ આઈપીઓમાં રોકાણકારોએ ઓછામાં ઓછા ૨૦ ઈક્વિટી શેર અને પછી તેના ગુણાંકમાં બિડ કરવાની રહેશે.આ ઈશ્યૂમાં ૫૪૨ કરોડના ફ્રેશ ઈક્વિટી અને ૪.૪૫ મિલિયન શેરની ઓફર ફોર સેલ સામેલ છે. આ કંપની ૨૦૦૭થી થાણેમાં એક હોસ્પિટલ ચલાવે છે અને વેસ્ટર્ન રિજયન પર ફોકસ ધરાવે છે.આ ઉપરાંત વોટર એન્ડ સુએજ ઈન્ફ્રા કંપની ઇએમએસ લિ. નો આઈપીઓ પણ ચાલુ અઠવાડિયે સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે. આ ઈશ્યૂ ૮ સપ્ટેમ્બરે ખુલશે અને ૧૦ સપ્ટેમ્બર સુધી ચાલશે. ઈએમએસ લિમિટેડના આઈપીઓમાં ૧૪૬ કરોડના ફ્રેશ ઈક્વિટી શેર વેચવામાં આવશે જ્યારે ૧૭૫ કરોડની ઓફર ફોર સેલ હશે. એક્સપર્ટ માને છે કે અત્યારે આઈપીઓનું વોલ્યુમ નોંધપાત્ર રીતે વધતું જાય છે. તેમાં જુદા જુદા સેક્ટર અને ઈન્ડસ્ટ્રીઝ આવરી લેવાય છે. આ ઉપરાંત આ આઈપીઓ દર્શાવે છે કે ભારતની નાણાકીય ક્ષમતામાં વધારો થયો છે અને રોકાણકારો માટે એક આકર્ષક દેશ બની રહ્યો છે. ચાલુ અઠવાડિયામાં પણ આઈપીઓ માર્કેટ માટે બજારમાં ઉત્સાહમાં વધારો થયો છે.
