Bangladesh: ફરિયાદીએ પીડિતો માટે વળતરની પણ માંગ કરી.
બાંગ્લાદેશના ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ (ICT) ના મુખ્ય ફરિયાદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમના પર 2024 માં થયેલા વિશાળ જન વિરોધ પ્રદર્શન દરમિયાન માનવતા વિરુદ્ધના ગુનાઓ અને સામૂહિક હત્યાકાંડનો આરોપ છે. ફરિયાદી મોહમ્મદ તાજુલ ઇસ્લામે હસીનાને “બધા ગુનાઓની મુખ્ય સૂત્રધાર” ગણાવી હતી અને તેમના માટે મહત્તમ સજાની માંગ કરી હતી.
વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના વિરોધ પ્રદર્શન બાદ ઓગસ્ટ 2024 માં 78 વર્ષીય શેખ હસીનાને સત્તા પરથી દૂર કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કાર્યાલયના અહેવાલ મુજબ, 15 જુલાઈથી 15 ઓગસ્ટ, 2024 દરમિયાન હસીના સરકાર દ્વારા આદેશ આપવામાં આવેલા સુરક્ષા દળોના ઓપરેશનમાં આશરે 1,400 લોકો માર્યા ગયા હતા.
પ્રોસિક્યુટરે કહ્યું, “શેખ હસીના બધા ગુનાઓની મુખ્ય સૂત્રધાર છે. તેમને મહત્તમ સજા મળવી જોઈએ અને તેમના પર કોઈ દયા ન બતાવવી જોઈએ.” તેમણે એમ પણ કહ્યું કે 1,400 લોકોની હત્યા માટે તેમને પ્રતીકાત્મક રીતે 1,400 વાર ફાંસી આપવી જોઈએ.
ભૂતપૂર્વ મંત્રી અને પોલીસ વડા પર પણ આરોપ:
પ્રોસિક્યુટરે તત્કાલીન ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલને પણ જવાબદાર ઠેરવ્યા. તેમને ‘ગેંગ ઓફ ફોર’નો ભાગ ગણાવ્યા હતા જેમણે આંદોલનને દબાવવામાં ભૂમિકા ભજવી હતી. દરમિયાન, ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક ચૌધરી અબ્દુલ્લા અલ-મામુને પોતાના ગુનાઓ કબૂલ કર્યા છે અને સરકારી સાક્ષી બન્યા છે.
પીડિતો માટે વળતરની માંગ:
પ્રોસિક્યુટરે ટ્રિબ્યુનલને પણ અપીલ કરી હતી કે તેઓ આરોપીઓની સંપત્તિમાંથી આંદોલનના પીડિતોને વળતર આપે. કેસમાં ચોપન સાક્ષીઓએ જુબાની આપી હતી, જેમની બચાવ પક્ષ દ્વારા ઉલટતપાસ કરવામાં આવી હતી.
ગુપ્ત માહિતી અનુસાર, શેખ હસીના અને અસદુઝમાન ખાન કમાલ ભારતમાં છે. વધતા જતા જાહેર ગુસ્સા વચ્ચે હસીનાએ 5 ઓગસ્ટ, 2024 ના રોજ બાંગ્લાદેશ છોડી દીધું હતું. ભારતે હજુ સુધી તેમની પ્રત્યાર્પણ વિનંતીનો જવાબ આપ્યો નથી.