સુરતમાં રક્ષાબંધનના પવિત્ર દિવસે ભાઈ-બહેનના સંબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. માનેલી બહેનને ભાઈએ અશ્લીલ વીડિયો ડાઉનલોડ કરેલો ફોન ગિફ્ટ આપતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. હાલ ડિંડોલી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા પૂજા (નામ બદલ્યું છે)એ તેના પડોશમાં રહેતા મુયર શર્મા નામના યુવકને પોતાનો માનેલો ભાઈ બનાવ્યો હતો. જેથી મયુર શર્મા પૂજાના ઘરે અવરજવર કરતો હતો. છેલ્લા એક વર્ષથી મયુરની પૂજા પર દાનત બગડી હતી. પૂજાને તેણે બહેન બનાવી હોવા છતાં તે છેલ્લા એક વર્ષથી તેને રંજાડતો હતો. જ્યારે પૂજા સ્કૂલે જાય ત્યારે મયુર તેનો પીછો કરીને હેરાન પરેશાન કરતો હતો.આ અંગેની જાણ પૂજાએ માતા-પિતાને કરતા અગાઉ પૂજાના પિતાએ મયુરને ઠપકો પણ આપ્યો હતો. ૧૫ દિવસ પહેલા મયુરે પૂજાને રક્ષાબંધનની ભેટ તરીકે મોબાઈલ ફોન ગિફ્ટમાં આપ્યો હતો. જે મોબાઇલમાં પહેલાથી પાંચ અશ્લીલ વીડિયો ડાઉનલોડ કરેલા હતા. મયુરે ગિફ્ટ આપેલા મોબાઈલમાં બિભત્સ વીડિયો જાેવા મળતા પૂજાએ માતા-પિતાને આ અંગેની જાણ કરી હતી.
જે બાદ પૂજાનો પરિવાર સીધો ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. આ બાબતે પૂજાના માતા-પિતાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં મુયર શર્મા સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગણતરીના કલાકમાં યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
