NSE Holidays: કયા રાજ્યોમાં બેંકો અને શેરબજાર બંધ રહેશે?
૨૭ ઓગસ્ટ, બુધવારના રોજ દેશભરમાં ગણેશ ચતુર્થી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દિવસે ભક્તો ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરશે અને તેમની પૂજા કરશે. દરમિયાન, રોકાણકારો અને બેંક ગ્રાહકોના મનમાં પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શું ૨૭ ઓગસ્ટે શેરબજાર અને બેંકો બંધ રહેશે?
શેરબજારની સ્થિતિ
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ની સત્તાવાર માહિતી અનુસાર, ૨૭ ઓગસ્ટ, બુધવારના રોજ ભારતીય શેરબજાર બંધ રહેશે. એટલે કે, આ દિવસે ઇક્વિટી માર્કેટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. એ પણ યાદ રાખો કે શેરબજાર પણ દર શનિવાર અને રવિવારે બંધ રહે છે.
ક્યાં બેંકો બંધ રહેશે?
બેંકોની વાત કરીએ તો, ગણેશ ચતુર્થી નિમિત્તે કેટલાક રાજ્યોમાં બેંક રજા રહેશે. RBI વેબસાઇટ અનુસાર, બુધવારે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, ગોવા અને આંધ્રપ્રદેશમાં બેંકો બંધ રહેશે.
દિલ્હી અને અન્ય રાજ્યોમાં બેંકો ખુલ્લી રહેશે
દેશની રાજધાની દિલ્હી સહિત અન્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બેંકો રાબેતા મુજબ કાર્યરત રહેશે.
બે રાજ્યોમાં સતત બે દિવસ બેંકો બંધ
ગણેશ ચતુર્થીના બીજા દિવસે, ગુરુવાર, 28 ઓગસ્ટના રોજ ગોવા અને ઓડિશામાં પણ બેંકો બંધ રહેશે. ગોવામાં ગણેશ ચતુર્થીના બીજા દિવસે ઉજવણી કરવામાં આવે છે, જ્યારે ઓડિશામાં નુઆખાઈ તહેવારને કારણે રજા રહેશે. આનો અર્થ એ થયો કે આ બે રાજ્યોમાં બેંકો સતત બે દિવસ બંધ રહેશે અને તે પછી શુક્રવાર અને શનિવારે સામાન્ય કામકાજ થશે.