Importance of a Guru in life:જેને આખો દેશ ગુરુ માને છે, એના ગુરુ કોણ છે?
Importance of a Guru in life:પ્રેમાનંદજીથી અનિરુદ્ધાચાર્ય સુધી , જાણો ગુરુઓની ગુરુગાથા
ગુરુ પૂર્ણિમા વિશેષ – આજે (૧૦ જુલાઈ ૨૦૨૫) સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમા ઉજવાઈ રહી છે. આ પવિત્ર દિવસે શિષ્યો પોતાના ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. પરંપરાગત રીતે આ દિવસ મહર્ષિ વેદ વ્યાસના જન્મ દિવસ તરીકે પણ ઓળખાય છે, જેમણે મહાભારત અને ૧૮ પુરાણોની રચના કરી હતી. પરંતુ આજે જયારે ગુરુત્વના આધાર સ્તંભ સમાન આધુનિક ગુરુઓની ચર્ચા કરીએ, ત્યારે મનમાં પ્રશ્ન થાય કે જેમને આખો દેશ ગુરુ માને છે, તેઓ પોતે કોના શિષ્ય રહ્યા છે?
ચાલો જોઈએ ભારતના પ્રખ્યાત આધ્યાત્મિક નેતાઓ અને યોગ ગુરુઓ કોણના માર્ગદર્શન હેઠળ ઊભા થયા:
પ્રેમાનંદજી મહારાજ – રાધા પ્રેમમાં લીન જીવન
પ્રેમાનંદજી મહારાજ, રાધારાણીના પરમ ભક્ત તરીકે જાણીતા છે. તેમના ભજન અને સત્સંગ માટે લાખો ભક્ત વૃંદાવન આવે છે. ૧૩ વર્ષની ઉંમરે બ્રહ્મચારી બનીને તેઓ વારાણસી અને પછી વૃંદાવન આવ્યા. લાંબા સમય સુધી ભિક્ષા કરીને, ગંગાજળથી જ જીવન નિભાવ્યું.
તેમને ભક્તિના સાચા માર્ગે દિશા આપનાર ગુરુ હતાં – સહચારી ભાવ સંત શ્રીહિત ગૌરાંગી શરણજી મહારાજ. દસ વર્ષથી વધુ સમય તેમણે ગુરુસેવામાં વિતાવ્યા અને શ્રી રાધા કૃષ્ણમાં લીનતા મેળવી.
જગદગુરુ રામભદ્રાચાર્ય – ૨૨ ભાષાઓના જ્ઞાનદાતા
જન્મથી અંધ હોવા છતાં આજે રામચરિતમાનસ, વેદ, ઉપનિષદ અને સંસ્કૃત સાહિત્યના વિદ્વાન એવા જગદગુરુ રામભદ્રાચાર્ય ને તેમનું આધ્યાત્મિક શિક્ષણ પંડિત રામ પ્રસાદ ત્રિપાઠી પાસેથી મળ્યું.
ગુરુ મંત્ર તેમને મળ્યો પંડિત ઈશ્વરદાસ મહારાજ પાસેથી. બાદમાં, ગુરુ રામચરણદાસજી ના માર્ગદર્શન હેઠળ તેઓ રામાનંદી સંપ્રદાયમાં જોડાયા. આજે તેઓ તુલસીપીઠના પીઠાધીશ્વર છે.
સ્વામી રામદેવ – યોગના વિસ્વગુરુ
હરિયાણાના નાના ગામમાં જન્મેલા રામકૃષ્ણ યાદવ આજના વિશ્વપ્રસિદ્ધ યોગ ગુરુ છે – સ્વામી રામદેવ. યોગ અને આયુર્વેદનું ઊંડું જ્ઞાન તેમણે શીખ્યું આચાર્ય બડાલદેવજી પાસેથી.
પરંતુ યોગના તત્વજ્ઞાન અને ઉપદેશ તેમને મળ્યો યોગાચાર્ય સ્વામી શંકર દેવજી પાસેથી, જેમણે 1992માં “દિવ્ય યોગ મંડળ” ની શરૂઆત કરી હતી.
અનિરુદ્ધાચાર્યજી મહારાજ – ભાગવત-રામાયણના નવિન કથાકાર
શ્રી રાધા-કૃષ્ણ મંદિરમાં નાની ઉંમરે સેવા કરનાર અનિરુદ્ધાચાર્યજી આજના લોકપ્રિય રામ કથાકાર છે. તેમણે ગૃહસ્થ સંત શ્રી ગિરિરાજ શાસ્ત્રી મહારાજ પાસેથી દીક્ષા લીધી. વૃંદાવનમાં રામાનુજાચાર્ય સંપ્રદાયમાં જોડાયા અને અયોધ્યાના અંજની ગુફાઓના મહારાજ પાસેથી રામકથા અને ભગવદ્ગીતા શીખી.
આદિ ગુરુ શિવ – સર્વજ્ઞાના સ્ત્રોત
ભારતીય સંસ્કૃતિમાં સૌથી પહેલો ગુરુ માનવામાં આવે છે આદિયોગી ભગવાન શિવ, જેમણે સપ્ત ઋષિઓને યોગ અને તત્વજ્ઞાનની દીક્ષા આપી. તેઓથી શરૂ થયેલી ગુરુ પરંપરા આજે પણ અવિરત રીતે ચાલી રહી છે.