વલસાડ જિલ્લામાં આગામી પાંચ દિવસ આકાશ મહ્દઅંશે ચોખ્ખુથી આંશિક વાદળછાયુ રહેવાની અને હળવા થી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આવા સમયે વરસાદ લંબાતા જે તે પાકમાં પાણીની અછતના કારણે પાક સુકાઈ જવો અથવા તો રોગ કે જીવાતના ઉપદ્રવના પ્રશ્નો ઉદભવે છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને પાકના રક્ષણ માટે તકેદારીના પગલા લેવા જણાવાયું છે.ચોમાસુ ડાંગરના પાક માટે ખેતરમાં ૫-૭ સે.મી સુધી પાણી ભરેલું રાખવું. જો ગાભમારાની ઇયળ/પાન વાળનાર ઇયળનો ઉપદ્રવ જણાય તો તેના નિયંત્રણ માટે નીમ ઓઇલ ૫૦ મિ.લિ. પ્રતિ ૧૫ લિટર પાણીમાં ભેળવી ખુલ્લા હવામાનની પરિસ્થિતિમાં છંટકાવ કરવો. જો પાનનાં સુકારા/ઝાળનો રોગ જોવા મળે તો તેનાં નિયંત્રણ માટે સ્ટ્રેપ્ટોસાયક્લીન ૧ ગ્રામ અને કોપર ઓક્સીક્લોરાઇડ ૧૦ ગ્રામ/૧૫ લિ. પાણી પ્રમાણે ખુલ્લા હવામાન પરિસ્થિતિમાં છંટકાવ કરવો. જો કરમોડી રોગનો ઉપદ્રવ જણાય તો સુડોમોનાસ ૫૦ ગ્રામ/૧૫ લિ. પ્રમાણે ખુલ્લા હવામાન પરિસ્થિતિમાં છંટકાવ કરવો.
ગાભમારાની ઇયળનાં નિયંત્રણ માટે ફેરોમેન ટ્રેપ એકરે ૪ પ્રમાણે મુકવાં.ચોમાસુ તુવેરના પાકમાં સુકારો રોગને અટકાવવા માટે ટ્રાઇકોડર્મા કલ્ચર આપવું. લીલી ઇયળનાં નિયંત્રણ માટે ખેતરની ફરતે તેમજ પાકની વચ્ચે પીળા ફુલવાળા ગલગોટાનું વાવેતર કરવું. શેરડીના પાકમાં જો સફેદ માખી/ વ્હાઇટ વુડી એફીડનો ઉપદ્રવ જણાય તો ઇમીડાક્લોપ્રાઇડ ૧૫ લિટર પાણીમાં ૫ મિ.લિ. નીમ ઓઇલ ભેળવી છંટકાવ કરવો. વેલાવાળા શાકભાજીના પાકમાં ખેતરને નિંદામણ મુક્ત રાખવું. દૂધીમાં ૫૦ કિલો નાઇટ્રોજન પ્રતિ હેક્ટરે જમીનમાં પુરતી ખાતર તરીકે ફુલ અવસ્થાએ આપવું. કારેલામાં ૩૦ કિલો નાઇટ્રોજન પ્રતિ હેક્ટરે જમીનમાં પુરતી ખાતર તરીકે ફુલ અવસ્થાએ આપવું. ખેતરમાં વધારાના પાણીનાં નિકાલ માટે નીક બનાવવી. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/કેવીકે/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો અથવા કિશાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર-૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
