Real Inspirational Story: નિવૃત્ત IPS વિમલા ગુંજ્યાલ ગામના વડા તરીકે નવી સેવા યાત્રા શરૂ કરે છે, 30 વર્ષ પોલીસમાં આપી હતી નિષ્ઠાપૂર્વક સેવા
Real Inspirational Story:ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના ગુંજી ગામમાં આજે નવી આશાનું બીજ રોપાયું છે. ગામના લોકો માટે આ આશાનું નામ છે – નિવૃત્ત IPS અધિકારી વિમલા ગુંજ્યાલ, જેઓ હવે પોતાના વતન ગામના બિનહરીફ પ્રધાન (સરપંચ) તરીકે ચૂંટાઈ આવ્યા છે.
30 વર્ષથી વધુ સમય સુધી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ પોલીસ વિભાગમાં સેવા આપી પછી, વિમલાબેન હવે ગામના સર્વાંગી વિકાસ માટે કમર કસીને ઉભા રહ્યા છે.
રીલમાંથી રિયલ સુધીની સફર
‘પંચાયત’ વેબ સિરીઝની સફળતાએ ગામડાની રાજનીતિ અને લીડરશીપને પાત્રોમાં જીવંત બનાવ્યા, પણ વિમલા ગુંજ્યાલની આ વાર્તા છે રીલ નહીં, રિયલ જીવનની. એમણે શહેરના આરામ છોડી, પોતાના જ ગામમાં સેવા આપવાનો નિર્ણય કર્યો – અને ગામલોકોએ પણ તેમને સંપૂર્ણ સમર્થન આપી બિનહરીફ ચૂંટ્યા.
UPSC નહિ, પરંતુ દેશસેવામાં IPS સુધીનો સફર
વિમલા ગુંજ્યાલે UPSC પાસ કરી નહિ, પણ તેઓ રાજ્ય પોલીસ સેવા (PPS)માંથી પ્રમોશન મેળવીને IPS બન્યા. તેમની કામગીરી અને પ્રતિબદ્ધતા એટલી ઉત્તમ હતી કે તેમને રાષ્ટ્રપતિ પાસેથી શૌર્ય ચંદ્રક પણ મળ્યો હતો.
ચીન-ભારત સરહદી ગામમાં સેવા સંકલ્પ
ગુંજી ગામ ચીન-ભારત સરહદ પર સ્થિત છે – વ્યૂહાત્મક રીતે અતિ મહત્વપૂર્ણ અને દુરગમ. અહીં પહોંચી જવું પણ ચેલેન્જ છે. છતાં, વિમલાબેન નિવૃત્તિ પછી અહીં રહેવાનું નક્કી કરીને સાચા અર્થમાં રાષ્ટ્રસેવા કરી રહ્યા છે.
નિવૃત્તિ નહીં, નવસર્જ નું સ્ટેપ
વિમલાની વાર્તા એ દર્શાવે છે કે નિવૃત્તિ એ અંત નથી – તે નવી શરૂઆત બની શકે છે. તેમનું ઉદાહરણ બતાવે છે કે અનુભવી અને ઇમંદાર નેતૃત્વ ગ્રામ્ય ભારતમાં બદલાવ લાવી શકે છે.