Trump Tariff 2025: 1 ઓગસ્ટથી નવા ટેરિફ દર અમલમાં આવશે, ટ્રમ્પે 12 દેશોને પત્ર લખીને ચેતવણી આપી
Trump Tariff 2025: અમેરિકા અને એશિયાઈ દેશો વચ્ચે આર્થિક તણાવ વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન અને દક્ષિણ કોરિયા પર 25 ટકા ટેરિફ લાદવાની ઘોષણા કરી છે. આ નવા ટેરિફ દરો 1 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવશે. ટ્રમ્પે આ જાહેરાત ટ્રુથ સોશિયલ પર બે પાનાના પત્ર દ્વારા કરી હતી.
ટ્રમ્પે બંને દેશોને સાફ શબ્દોમાં કહ્યું છે કે જો તેઓ અમેરિકામાં પોતાનું ઉત્પાદન શરૂ કરે તો ટેરિફથી મુક્તિ મળી શકે છે. તેમણે જણાવ્યું કે, “અમેરિકામાં માલ બનાવશો તો કોઈ ટેરિફ નહીં લાગે.”
ટ્રમ્પે જાપાન અને દક્ષિણ કોરિયા સાથે વધુ ટેરિફ લાદવાની પણ ધમકી આપી છે જો તેઓ પણ અમેરિકાના આ પગલાના જવાબમાં જાતે ટેરિફ લાદશે. “જો તમે 5% નો ટેરિફ લાદો છો, તો અમે પણ 5% વધારીશું અને 25% પર ઉમેરશું,” તેમ ટ્રમ્પે ચેતવણી આપી.
ટ્રમ્પે માત્ર આ બે દેશો જ નહીં, પરંતુ કુલ 12 દેશોને પત્ર લખ્યો છે, જેમાં BRICS ગ્રૂપના કેટલાક દેશો પણ સામેલ છે. આ પત્ર ‘બિન-વાટાઘાટોપાત્ર’ છે અને દેશોને સ્વીકારવાનું કે નકારવાનું સંપૂર્ણ અધિકાર છે. જોકે, તેને અવગણવા ભારે પડી શકે છે.
ટ્રમ્પે બ્રિક્સ દેશો વિરુદ્ધ પણ મજબૂત વલણ દાખવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, BRICS દ્વારા અમેરિકાવિરોધી નીતિઓના પરિણામે તેમાં જોડાયેલ દેશો પર 10 ટકા વધારાનો ટેરિફ લાગૂ કરવામાં આવશે. BRICS હવે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા ઉપરાંત ઇજિપ્ત, ઈરાન, ઇથોપિયા, UAE અને ઇન્ડોનેશિયાનો સમાવેશ કરે છે.
આ પગલાથી સ્પષ્ટ છે કે ટ્રમ્પ ફરીથી ‘મેડ ઇન અમેરિકા’ અભિયાનને આગળ ધપાવવા માંગે છે અને વિદેશી ઉત્પાદકો પર દબાણ બનાવી રહ્યો છે. આ પગલાનું વૈશ્વિક વેપાર સંબંધો પર શું પ્રભાવ પડશે, તે આવનારો સમય બતાવશે.