ભારતના ચંદ્રયાન-૩નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ થઈ ગયું છે. ઈસરોએ ચંદ્રયાન-૩ ચંદ્રનું દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડ થયા બાદ ઈતિહાસ રચી દીધો છે. ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણે જણાવ્યું કે, પહેલાની સરકારોને ઈસરો પર વિશ્વાસ નહોતો. આ જ કારણ છે કે, ભારતીય સ્પેસ એજન્સીને પૂરતા પ્રમાણમાં બજેટ આપવામાં નહોતું આવતું.
ઈસરોના શરૂઆતના દિવસો વિશે વાત કરતા નંબી નારાયણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બીજેપીએ પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોમાં ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક કહી રહ્યા છે કે, સરકારોએ ઈસરોને ત્યારે ફંડ આપ્યું જ્યારે તેણે પોતાની વિશ્વસનીયતા સ્થાપિત કરી લીધી.
નંબી નારાયણે કહ્યું કે, અમારી પાસે જીપ, કાર કે કંઈ પણ નહોતું. એનો અર્થ એ કે, અમને કોઈ બજેટ ફાળવવામાં નહોતું આવતું. માત્ર એક બસ હતી જે શિફ્ટમાં ચાલતી હતી. શરૂઆતના દિવસોમાં આવી સ્થિતિ હતી.
એપીજે અબ્દુલ કલામના સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (એસએલવી-૩)ના નિર્માણના સમયનો ઉલ્લેખ કરતા નંબી નારાયણે કહ્યું કે, તે સમયે બજેટ પૂછવામાં નહોતું આવતું, બસ આપી દેવામાં આવતુ હતું. તે ખૂબ જ મુશ્કેલ હતું. તેમણે આગળ કહ્યું કે, હું ફરિયાદ નહીં કરીશ પરંતુ સરકારને ઈસરો પર વિશ્વાસ નહોતો.
વીડિયોમાં જ્યારે ચંદ્રયાન-૩ની ઐતિહાસિક સફળતાનો તમામ શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઈ રહ્યા છે તેવા વિપક્ષના આરોપો પર સવાલ પૂછવામાં આવ્યો ત્યારે નંબી નારાયણે કહ્યું કે આવા રાષ્ટ્રીય પ્રોજેક્ટની વાત થશે તો વડાપ્રધાન સિવાય બીજું કોણ શ્રેય લેશે? તમે ભલે વડા પ્રધાનને પસંદ નથી કરતા એ તમારી સમસ્યા છે પરંતુ તમે તેમની પાસેથી ક્રેડિટ ન છીનવી શકો. તમે વડા પ્રધાનને પસંદ નથી કરતા આ કારણોસર તમે તેમને પોસ્ટ પરથી હટાવી ન શકો.નંબી નારાયણનું જીવન કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછું નથી. ૧૯૪૧માં તમિલ પરિવારમાં જન્મેલા નંબી નારાયણે કેરળના તિરુવનંતપુરમમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમટેકની ડિગ્રી લીધી હતી. આગળના અભ્યાસ માટે તેઓ ફેલોશિપ પર અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટી ચાલ્યા ગયા હતા.અમેરિકાથી પરત ફર્યા બાદ તેમણે ઈસરોસાથે કામ કરવાનું શરૂ કર્યું. તેમણે તેમની કારકિર્દીમાં વિક્રમ સારાભાઈ, સતીશ ધવન અને એપીજે અબ્દુલ કલામ જેવા દિગ્ગજાે સાથે કામ કર્યું હતું. તેમને ભારતમાં લિક્વિડ ફ્યુઅલ રોકેટ ટેક્નોલોજીનો શ્રેય આપવામાં આવે છે જેના પછી દેશમાં રોકેટ ઈન્ડસ્ટ્રીને વેગ મળ્યો.
૧૯૯૪માં નંબી નારાયણના જીવનમાં એક મોટો વળાંક આવ્યો જ્યારે તેમના પર જાસૂસીનો આરોપ લગાવવામાં આવ્યો. આરોપ એ હતો કે, તેમણે સ્પેસ પ્રોગ્રામ સાથે જાેડાયેલી માહિતી બે બહારના લોકો સાથે શેર કરી હતી જેમણે તે માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડી દીધી હતી. તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. જાસૂસીના આરોપો વિરુદ્ધ નંબી નારાયણે લાંબી લડાઈ લડી અને ૧૯૯૬માં સીબીઆઈકોર્ટે આરોપો ફગાવી દીધા હતા. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો જ્યાં સુપ્રીમ કોર્ટે ન માત્ર નિર્દોષતા પર મહોર લગાવી પરંતુ કેરળ સરકારને વળતર આપવાનો પણ આદેશ આપ્યો. કેરળ સરકારે નારાયણને ૧.૩ કરોડનું વળતર આપ્યુ હતું.
