₹12,500 Crore Investment :જયપ્રકાશ એસોસિયેટ્સને ખરીદવા માટે અદાણી ગ્રુપનો મોટો દાવ, અન્ય મોટી કંપનીઓ સાથે રેસ
₹12,500 Crore Investment: અદાણી ગ્રુપ હવે નાદારીમાંથી પસાર થતી કંપની જયપ્રકાશ એસોસિયેટ્સ લિમિટેડ (JAL) ને ખરીદવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર, અદાણી ગ્રુપે JAL માટે ₹12,500 કરોડની સૌથી ઊંચી બોલી લગાવી છે અને આગળ વધીને એડવાન્સ પેમેન્ટ આપવા પણ તૈયાર છે. અદાણીનો હેતુ કંપનીના મૂલ્યવાન એસેટ્સ દ્વારા પોતાનો વ્યવસાય વધુ વિસ્તૃત કરવાનો છે.
JAL ખરીદવા માટે અદાણી છે સૌથી મજબૂત દાવેદાર
વિસ્તૃત માહિતી અનુસાર, JAL ખરીદવા માટેની રેસમાં ડાલમિયા ગ્રુપ, JSPL, વેદાંત અને PNC ઈન્ફ્રાટેક પણ સામેલ છે. તેમ છતાં, અદાણી ગ્રુપે 8,000 કરોડ રૂપિયાની એડવાન્સ ચુકવણીની તૈયારી દર્શાવીને પોતાને મજબૂત દાવેદાર તરીકે ઉભું કર્યું છે.
JAL પાસે મૂલ્યવાન સંપત્તિઓ, છતાં છે નાદાર
જયપ્રકાશ એસોસિયેટ્સ રિયલ એસ્ટેટ, સિમેન્ટ, પાવર અને હોટલ સહિતના ઘણા ક્ષેત્રોમાં કાર્યરત છે. કંપની પાસે લગભગ 10 મિલિયન ટન ક્ષમતા ધરાવતો સિમેન્ટ પ્લાન્ટ, પાંચ હોટલ, ખાતર ઉત્પાદન યુનિટ અને લગભગ 2,500 એકર જમીનનો મોટો પ્લોટ છે – જેમાં પૂર્વે ફોર્મ્યુલા 1 રેસ યોજાઈ હતી.
હાલમાં, JAL પર ₹48,000 કરોડથી વધુ દેવું છે, જે 25 બેંકોમાંથી છે. પંજાબ નેશનલ બેંક અને IDBI બેંક જેવા સંસ્થાઓએ આ દેવું નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (NARCL) ને ₹12,700 કરોડમાં વેચી દીધું છે.
અદાણીનો વ્યૂહાત્મક પગલું
અદાણી ગ્રુપ આ ખરીદી દ્વારા મધ્ય અને ઉત્તર ભારતના માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરવાનું લક્ષ્ય રાખે છે, ખાસ કરીને સિમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં. જયપ્રકાશ એસોસિયેટ્સનો બિઝનેસ મોડલ અને લેન્ડ હોલ્ડિંગ્સ આ દિશામાં મોટો આધાર બની શકે છે.
હાલ, JAL ના શેરના ભાવ માત્ર ₹3 છે અને તેમાં “ટ્રેડિંગ રિસ્ટ્રિક્ટેડ”નો સ્ટેટસ પણ દર્શાવાઈ રહ્યો છે. જો અદાણી ગ્રુપ આ ખરીદી સંપન્ન કરે છે, તો શેરધારકો માટે મોટી તક સર્જાઈ શકે છે.