પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા યુવકો વિવિધ પ્રકારની યુક્તિઓ અજમાવતા હોય છે. ઘણીવાર તો કાયદાનું પણ ઉલ્લંઘન કરી બેશે છે. આવી જ ઘટના હાલમાં સામે આવી છે વડોદરા ખાતે. અહીં ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા યુવક નકલી પાયલોટ બની ગયો હતો. સોમવારે રાત્રે દિલ્હી જતી ફલાઇટમાં પાયલોટની ઓળખ આપી યુનિફોર્મમાં બોર્ડિંગ પાસ સાથે ૨૦ વર્ષીય યુવક ઝડપાયો હતો. મુંબઇના વિલે પારલે ખાતે રહેતા ૨૦ વર્ષીય રક્ષિત મંગેલાની પોલીસે ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે.
આ મામલે સામે આવેલી વિગતો અનુસાર એર ઇન્ડિયાના કર્મચારીને શંકા જતા સી.આઈ.એસ.એફ, પોલીસ, સેન્ટ્રલ આઈ.બી, સ્ટેટ આઈ.બી, એસ.ઓ.જી તેમજ ક્રાઈમ બ્રાન્ચે તેની ઘનિષ્ટ પૂછપરછ કરી હતી. જાસૂસ કે આતંકી હોવાની આશંકાએ પૂછપરછ કરાઈ હતી. ઝડપાયેલા યુવકે મુંબઇના ઇન્સ્ટિટ્યૂટમાં એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે ટ્રેનિંગ લીધી હતી. જાેકે ત્યાં પ્લેનના ક્રુ મેમ્બર તરીકે ૪ યુવતીઓ સાથે મિત્રતા કેળવી તેમને ઈમ્પ્રેસ કરવા પાયલોટનો વેશ ધારણ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. સી.આઈ.એસ.એફની ફરિયાદને પગલે હરણી પોલીસે એન.સી દાખલ કરી ૧૭૭ કલમ મુજબ ખોટી માહિતી આપવાની પૂછપરછ બાદ તેને છોડી મુક્યો હતો.
તો બીજી તરફ પૂછપરછમાં યુવકે અનેક યુવતીઓ સાથે સંકળાયેલો હોવાનું અને હૈદરાબાદ ગયેલી યુવતી સાથે નજીકના સંબંધો હોવાનું જણાવ્યું હતું. જાે કે, પૂરપરછ દરમિયાન આ સમગ્ર ઘટનાથી અજાણ યુવતીના મેસેજ પણ તે જ સમયે યુવકના ફોન સતત પર આવતા હતા. જે બાદ પોલીસે યુવક પાસે તેના ફોન મારફતે હૈદરાબાદની યુવતીને મેસેજ કરાવી પોતે પાઇલટ ન હોવાની માહિતી અપાવી હતી. પૂછપરછ દરમિયાન યુવકની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેણે ગ્રાઉન્ડ સ્ટાફની ટ્રેનિંગ લીધી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત તેની નેધરલેન્ડની ગર્લફ્રેન્ડ પાસેથી પણ તે ફ્લાઇટની ટિકિટ કરાવતો હોવાની વિગતો બહાર આવી હતી. મુસાફરો ફ્લાઈટમાં પ્રવેશે તે પહેલાં તે યુનિફોર્મમાં અંદર જતો અને પાઇલટ સાથે તેમજ પ્લેન પાસેના ફોટા પાડી પોતાના મોબાઈલમાં રાખતો હતો. જેથી લોકોને લાગે કે તે પાયલટ છે. જાે કે, તેની આ લીલા લાંબો સમય ન ચાલી અને આખરે તો પોલીસના હાથે ઝડપાઈ ગયો.
