સૌરાષ્ટ્રની રાજનીતિનું એપીસેન્ટર જેને કહેવાય છે તે રાજકોટના વિકાસની ગતિને છેલ્લા કેટલાક વર્ષોથી બ્રેક લાગી ગઈ છે. વર્ષ ૨૦૨૦માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયમાં જે કામોનું વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ, તે કામો હજુ સુધી અધ્ધરતાલ છે અને આ કામો હજુ મંથરગતિએ છેલ્લા ત્રણ વર્ષથી બસ ચાલી જ રહ્યા છે. રાજકોટના મહત્વપૂર્ણ કહી શકાય તેવા ૮ જેટલા મોટા પ્રોજેક્ટની જાે વાત કરવામાં આવે તો આ પ્રોજેક્ટની સમય મર્યાદા પૂર્ણ થયાને ત્રણ ત્રણ વર્ષ વિતી ગયા હોવા છતા હજુ આ કામો પૂર્ણ થયા નથી. રાજકોટ અમદાવાદ સિક્સલેન હાઈવેની કામગીરી પૂર્વ સીએમ વિજય રૂપાણીના કાર્યકાળમનાં શરૂ કરાઈ હતી અને વર્ષ ૨૦૨૦માં પૂર્ણ કરવાની હતી, ૩ હજાર ૪૮૮ કરોડના ખર્ચે સિક્સલેન હાઈવેની કામગીરી મંજૂર કરાઈ હતી.
આ પ્રોજેક્ટની સમય મર્યાદા પૂર્ણ થઈ તેને પણ ત્રણ વર્ષ થવા આવ્યા છતા કામ હજુ પૂર્ણ થયુ નથી. અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર કંપનીને છાવરવામાં આવતો હોવાનો ઘાટ ઘડાયો છે. આ ઉપરાંત સ્માર્ટ સિટી અંતર્ગત અટલ સરોવર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હજુ અધૂરો છે. ગત જન્માષ્ટમીએ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની વાત હતી. બીજી જન્માષ્ટમી માથે આવી ગઈ છતા પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થઈ નથી. શહેરના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પાછળ ૧૩૬ કરોડ રૂપિયાનું આંધણ કરવામાં આવ્યુ છે. નવા ૧૫૦ ફુટ રિંગ રોડનો વિકાસ, રેસકોર્સને ડેવલપ કરવાનું આયોજન, અટલ સરોવરને વિકસાવવાનું આયોજન, પર્યટન સ્થળ, વોકવે, લેક વ્યુ, શોપિંગ મેલ સહિતના રાજ્ય સરકાર અને મનપાએ અમલમાં મુકેલા પ્રોજેક્ટ હજુ અધ્ધરતાલ જ છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૨માં પૂર્ણ કરવાનો હતો પરંતુ એક વર્ષ બાદ પણ હજુ તેની કામગીરી અધૂરી જ છે.
રાજકોટની જનાના હોસ્પિટલના નવિનીકરણ પ્રોજેક્ટનું કામ પણ બાકી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ હોસ્પિટલના નવિનીકરણ માટે ગ્રાન્ટ ફાળવી હતી અને ૧૦૪ કરોડના ખર્ચે ૯ માળની જનાના હોસ્પિટલ તૈયાર કરાઈ. જેમા ૨૦૦ બેડ સગર્ભા મહિલાઓ માટે અને ૩૦૦ બેડ બાળકોના વિભાગ માટે તૈયાર કરાયા છે. આ ૨૦૦૦ બેડની અતિ આધુનિક હોસ્પિટલ છે. આ હોસ્પિટલનું હજુ સુધી લોકાર્પણ થયુ નથી. આ કામમાં કોન્ટ્રાક્ટરની સમયમર્યાદા બે-બે વખત પૂરી થઈ ગઈ હોવા છતાં બિલ્ડિંગનું લોકાર્પણ હજુ બાકી છે.
શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ૬૪ કરોડના ખર્ચે માધાપર ચોકડી પર ઓવરબ્રિજ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ પણ હજુ સુધી અધૂરો જ છે. મોરબી રોડથી ૧૫૦ ફુટ રિગરોડ તરફ અંડરબ્રિજનું કામ હજુ અધૂરુ જ છે. ઓક્ટોબર ૨૦૨૦થી ૧૫ મહિનામાં જે કામગીરી પૂર્ણ કરવાની હતી. તે હજુ પ્રથમ તબક્કામાં પણ પૂર્ણ થઈ નથી. આ પ્રોજેક્ટ માટે જૂન ૨૦૨૩ છેલ્લી મુદ્દત હતી પરંતુ કામ હજુ અધૂરુ જ છે.
આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર વેપારી મહામંડળે રાજકોટ સાથે અન્યાય કરાતો હોવાને આક્ષેપ કર્યો છે. આ તરફ રાજકોટ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજકીય કિન્નાખોરીના કારણે આ તમામ પ્રોજેક્ટ લટકી રહ્યા છે. કારણ કે સૌરાષ્ટ્ર સાથે ક્યાંક ઓરમાયુ વર્તન કરવામાં આવી રહ્યુ છે. જેમા સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ હોય, ૨૦૦૦ બેડની જનાના હોસ્પિટલ હોય કે રાજકોટનુ સેટેલાઈટ બસસ્ટેન્ડ અને રાજકોટનો માધાપર ચોકડી બ્રિજ હોય આ તમામ પ્રોજેક્ટની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે અને તેમ છતા આ કામો ખૂબ જ ઢીલી ગતિએ ચાલી રહ્યા છે અને કોન્ટ્રાક્ટર સાથે પણ રીતસરના થાબડભાણા થતા હોય તે પ્રકારની પરિસ્થિતિ તે જાેવા મળી રહી છે. ઓવરઓલ જે વિકાસના કામો છે તે ધીમી ગતિએ ચાલી રહ્યા છે તેને કારણે રાજકોટવાસીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.