દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતા સ્વાગત કાર્યક્રમ હેઠળ આજરોજ વલસાડ કલેકટર કચેરી ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમાં કલેકટરશ્રીએ જનતાની ફરિયાદો સાંભળી તેની સમીક્ષા કરી હકારાત્મક અભિગમ સાથે પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા હતા. જે પૈકી એક અરજદાર અશ્વિનભાઈ ચીખલીયા હતા. તેમના કેસની વિગત જોઈએ તો, ધરમપુર તાલુકાના ભેંસધરા ગામમાં ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા સંચાલિત સરકારી હાઈસ્કૂલની જમીનની માપણી પૂર્ણ કરવા માટે અરજદાર છ માસથી ધક્કા ખાતા હતા. અગાઉ માપણી થઈ હતી પરંતુ તેમને ડ્રોઈંગ (માપણી) શીટ આપવામાં આવી ન હતી અને તાર ખૂંટા પણ થયા ન હતા. જેથી આ સરકારી હાઈસ્કૂલમાં ધો. ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા ૪૦૦ વિદ્યાર્થીઓ માટે મેદાન બનાવવાનું અને કન્યા છાત્રાલયનું કામ ચાલુ થઈ શક્યુ ન હતું. પરંતુ આજે સ્વાગત કાર્યક્રમમાં તેમના પ્રશ્નનો ત્વરિત ઉકેલ આવ્યો હતો. જે અંગે ટ્રસ્ટના મંત્રી અને અરજદાર અશ્વિનભાઈએ જણાવ્યું કે, સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરાયા બાદ મારી અરજી બાબતે તપાસ શરૂ થઈ અને માપણી શીટ તૈયાર કરવામાં વિલંબ કરનાર અગાઉના સર્વેયરને જમીન દફતરના જિલ્લા નિરિક્ષક દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે. સાથે જ મને માપણીની શીટ પણ આપવામાં આવી છે. સ્વાગત કાર્યક્રમમાં અરજી કર્યા બાદ કલેકટરશ્રીએ મને રૂબરૂ સાંભળી સંબંધિત અધિકારીઓને સૂચના આપતા મારો પ્રશ્ન તાત્કાલિક ઉકેલાયો છે. જે બદલ હુ તેમનો અને ગુજરાત સરકારનો આભારી રહીશ.
બીજો એક કેસ વલસાડ તાલુકાના ભાગલ ગામનો છે. ભાગલ દાંડી કરદીવા વિભાગ મીઠું ઉત્પાદક સહકારી મંડળીની જમીન રી સર્વે થયા બાદ તેમની જમીન ઓછી દર્શાવી હતી. જેથી મંડળી વતી અરજદાર કાંતિભાઈ એફ પટેલે સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી. આજે ગુરૂવારે યોજાયેલા કાર્યક્રમમાં તેમના ચાર વર્ષ જુના પ્રશ્નનો ત્વરિત ઉકેલ આવતા તેઓએ સરકારના સફળ અમલીકરણ માટે મુખ્યમંત્રીશ્રી અને કલેકટરશ્રીનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, ચાર વર્ષથી અમે કચેરીના આંટાફેરા મારતા હતા. પરંતુ એક દિવસ ન્યૂઝ પેપરમાં સરકારના સ્વાગત કાર્યક્રમ વિશે વાંચ્યું હતું. જેથી અરજી કરતા બીજા જ દિવસે અમારો પ્રશ્ન ઉકેલાયો હતો અને સુધારા હુકમ પણ અમને મળી ગયો છે. પ્રજા હિત માટે આ સ્વાગત કાર્યક્રમ ખૂબ જ આવકાર્ય છે. કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, સુપ્રિટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ -વ- વલસાડ પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા અને ડિસ્ટ્રીક્ટ ઈન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ પ્રશાંત સોની દ્વારા થયેલી કાર્યવાહીથી અમને સંપૂર્ણ સંતોષ છે. સરકારનો સ્વાગત કાર્યક્રમ સાચા અર્થમાં સાર્થક થયો કહી શકાય છે.
આમ, આવા અનેક નાગરિકોના લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્નોનું સ્વાગત કાર્યક્રમ દ્વારા સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું છે.
