ભારત આજે એક નવો ઈતિહાસ રચ્યો છે. બાહુબલી રોકેટ એલવીએમ-૩ આજે ચંદ્રયાન-૩ને લઈને રવાના થયુ. તે પોતાની સાથે ૧૪૦ કરોડ ભારતીયોની આશા પણ લઈ જશે. ચંદ્રને સ્પર્શવાની આ આશા દરેક ભારતીયોના દિલમાં ખુશી બનીને ઉભરી. મિશન સફળ થવાની આખા દેશે પ્રાર્થના કરી છે. ચંદ્રની સપાટી અને વાતાવરણનો અભ્યાસ કરવા માટેની પહેલ રશિયા દ્વારા કરવામાં આવી હતી. મહત્ત્વની વાત એ છે કે, રશિયાએ ૧૯૫૮થી અત્યાર સુધીમાં ૩૪ વખત મૂન મિશન હાથ ધર્યા છે અને તેમાંથી ૭ વખત જ તેને સફળતા પ્રાપ્ત થઈ છે. ભારત જ્યારે આઝાદ થઈને હજી તો લોકશાહીને સેટ કરી રહ્યો હતો તે સમયગાળામાં રશિયાએ અવકાશી દુનિયામાં પ્રયોગો હાથ ધરી દીધા હતા. રશિયા દ્વારા વિશ્વમાં પહેલી વખત ચંદ્રના પરિભ્રમણ માટે ૨ જાન્યુઆરી ૧૯૫૯માં આ ચંદ્રયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. લુના-૧ નામનું યાન ખૂબ જ ઓછા સમયમાં ચંદ્રના ઓર્બિટમાં પહોંચ્યું હતું પણ ત્યારબાદ તે નિષ્ફળ ગયું હતું. ત્યારબાદ તેણે લુના-૨ નામનું મિશન લોન્ચ કર્યું હતું. તે ૧૯૫૯માં જ લોન્ચ કરાયું હતું. આ મિશન ૧૨ સપ્ટેમ્બર ૧૯૫૯ના રોજ લોન્ચ કરાયું હતું. મહત્વનું છે કે, ૧૧ ઓગસ્ટે લોન્ચ કરાયેલું લુના-૨૫ મિશન નિષ્ફળ ગયું હતું. લુના-૨૫ ૨૧ ઓગસ્ટના રોજ ચંદ્રની સપાટી પર ઉતરવાનું હતું. આ દરમિયાન તે ચંદ્ર સાથે અથડાયું હતું. જેના કારણે મિશન નિષ્ફળ ગયું.
રશિયાની સાથે તમામ બાબતે સ્પર્ધામાં રહેતા અમેરિકા દ્વારા અવકાશી સંશોધનોમાં પણ ઝડપ કરવામાં આવી હતી. રશિયાની સફળતાને જાેઈને અમેરિકાએ મૂન મિશન શરૂ કરી દીધા હતા. તેણે અત્યાર સુધીમાં ૩૧ મૂન મિશન કર્યા છે જેમાંથી ૧૪માં તેને સફળતા મળી છે. નાસાએ ૨૦ જુલાઈ ૧૯૬૯ના રોજ એપોલો-૧૧ નામનું યાન ચંદ્રની સપાટી ઉપર મોકલ્યું હતું. આ યાનમાં અવકાશયાત્રીઓ પણ સવાર હતા. નિલ આર્મસ્ટ્રોંગે પહેલી વખત ચંદ્રની સપાટી ઉપર પગ મૂક્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં નાસા દ્વારા ઘણા સમાનવ અને અમાનવ અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે. આગામી સમયમાં તે ફરી એક વખત સમાનવ અભિયાન હાથ ધરવાનું છે. ભારતનું આ મિશન તેના માટે દિવાદાંડી સમાન બનશે તેવી તેની ધારણા છે.ભારત અને અમેરિકાના કટ્ટર હરિફ ગણાતા ચીન દ્વારા પણ અવકાશી સંશોધનની કામગીરી ખૂબ જ વહેલી શરૂ કરવામાં આવી છે. તેણે ૧૯૭૦ના દાયકામાં જ મૂન મિશનની કામગીરી શરૂ કરી દીધી હતી. ૧૯૭૬માં ચીન દ્વારા પહેલી વખત ચંદ્ર ઉપર યાન મોકલવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં ચીને સાત વખત આ પ્રયોગો કર્યા છે અને તમામમાં તે સફળ રહ્યું હોવાના દાવા કર્યા છે.
૨૦૧૩થી શરૂ કરીને ૨૦૨૦ સુધીમાં વિવિધ ચાંગ મિશન તેણે હાથ ધર્યા છે અને ગત વર્ષે તેનું યાન ચંદ્ર ઉપરની માટી પણ લઈને આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ૨૦૩૦ પહેલાં ચીન દ્વારા ચંદ્રની ધરતી ઉપર સમાનવ યાન ઉતારવાની પણ જાહેરાત કરી દેવાઈ છે. અવકાશમાં સંસોધન બાબતે ભારતનું સ્થાન ઘણું આગળ છે પણ અવકાશમાં સેટેલાઈટ લોન્ચ કરવામાં હાલમાં ઈસરોની તોલે કોઈ આવતું નથી. સરકારી અને ખાનગી સેટેલાઈટ છોડવાનું દેશ-વિદેશનું કામ ઈસરો પાસે છે. આ ઈસરો દ્વારા ૨૦૦૮માં ભારત માટે પહેલી વખત મૂન મિશન ચંદ્રયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. તે એક વર્ષમાં જ સંપર્ક વિહોણું થઈ જતાં તેનો અંત આવ્યો હતો. તેના ૧૧ વર્ષ બાદ ૨૦૧૯માં ચંદ્રયાન-૨ લોન્ચ કરવામાં આવ્યું જે ચંદ્રની સપાટીથી માત્ર ૨ કિ.મી દૂર હતું ત્યારે સંપર્ક વિહોણું થઈ ગયું અને આ મિશન પણ ખોટકાઈ ગયું. આ બંને મિશનની નિષ્ફળતાઓથી બોધપાઠ લઈને ભારતે ૨૦૨૩માં ચંદ્રયાન-૩ મિશન લોન્ચ કરવાનું નક્કી કર્યું છે. ૧૪ જુલાઈ ૨૦૨૩ના રોજ આ યાન લોન્ચ થશે.
