હાલમાં જ સમાચાર આવ્યા હતા કે બોલીવૂડ એક્ટર સની દેઓલના મુંબઈ સ્થિત સની વિલાની બેંક ઓફ બરોડા હરાજી કરવાની છે. આ અંગે બેંકે હરાજીની જાહેરાત પણ બહાર પડી હતી, પરંતુ હવે બેંક દ્વારા બંગલાની હરાજીની નોટિસ પાછી ખેંચી લેવામાં આવી છે. સરકારી બેંક ઓફ બરોડાએ આજે એક નિવેદનમાં આ માહિતી આપી છે. ૨૫ ઓગસ્ટે યોજાનારી ઈ-ઓક્શન દ્વારા ૫૬ કરોડની વસૂલાત માટે બેન્ક ઓફ બરોડા દ્વારા ગઈકાલે સની દેઓલની પ્રોપર્ટી બ્લોક કરવામાં આવી હતી. સની દેઓલે ડિસેમ્બર ૨૦૨૨થી બેંક ઓફ બરોડા પાસેથી ૫૫.૯૯ કરોડની લોન ચૂકવી નથી.
બેંક ઓફ બરોડાએ આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અજય સિંહ દેઓલ ઉર્ફે સની દેઓલની મિલકતના સંબંધમાં વેચાણની હરાજી નોટિસના સંદર્ભમાં ઇ-ઓક્શન અથવા ઇ-ઓક્શન નોટિસ ટેકનિકલ કારણોસર પાછી ખેંચી લેવામાં આવી છે. બેંકે ગઈકાલે કહ્યું હતું કે સની વિલા તરીકે જાણીતી જુહુની પ્રોપર્ટીની હરાજી ૫૧.૪૩ કરોડ રૂપિયાથી શરૂ થશે. આ માટે ન્યૂનતમ બિડની રકમ ૫.૧૪ કરોડ નક્કી કરવામાં આવી હતી. આ ઉપરાંત સની વિલા અને સની સાઉન્ડ્સ ધરાવતી ૫૯૯.૪૪ ચોરસ મીટરની મિલકતની પણ હરાજી થવાની હતી.
સની સાઉન્ડ્સ દેઓલ્સની માલિકીની કંપની છે અને તે લોન માટે કોર્પોરેટ ગેરેંટર છે. જ્યારે સની દેઓલના પિતા ધર્મેન્દ્ર પર્સનલ ગેરેંટર છે. ગઈકાલે બહાર પાડવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે દેઓલ પરિવાર હજુ પણ SARFAESI એક્ટ ૨૦૦૨ની જાેગવાઈઓ હેઠળ હરાજી રોકવા માટે બેંક સાથે તેમની બાકી લોનનું સમાધાન કરી શકે છે.
