ભારતનું ચન્દ્રયાન મિશન ચન્દ્ર તરફ સતત આગળ વધી રહ્યું છે. હવે ઈસરોએ ચંદ્રયાન-૩ને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. ઈસરોએ માહિતી આપી હતી કે, ચંદ્રયાન-૩ અને ચંદ્રયાન-૨ ઓર્બિટર વચ્ચેનો સંચાર સફળતાપૂર્વક સ્થાપિત થયો હતો. ચંદ્રયાન-૨ના ઓર્બિટરે ચન્દ્રયાન-૩નું સ્વાગત કર્યું છે. બંને વચ્ચે દ્વિ-માર્ગી સંચાર થયો છે. ઈસરોએ ચંદ્રયાન-૩ના લેન્ડીંગ વિષે પણ એક મહત્વની અપડેટ આપી છે.
ઈસરોએ આજે ચંદ્રયાન-૩ના લેન્ડિંગ અંગે નવીનતમ અપડેટ પણ બહાર પાડી છે. તેમણે જણાવ્યું કે લેન્ડિંગનો સમય ૨૩ ઓગસ્ટે સાંજે ૬.૦૪ વાગ્યાનો રાખવામાં આવ્યો છે. આ સમયે, વાહનને ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડીંગ માટે પ્રયાસ કરવામાં આવશે. ઈસરોએ એ પણ માહિતી આપી હતી કે, લેન્ડિંગ ઈવેન્ટનું લાઈવ ટેલિકાસ્ટ સ્થાનિક સમય મુજબ સાંજે ૫.૨૦ વાગ્યે શરૂ થશે.
ઈસરોના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે આ વખતે અવકાશયાન કોઈ પણ સંજાેગે સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરશે. સૌપ્રથમ ઈસરોના ચીફ એસ. સોમનાથ અને પછી ચંદ્રયાન-૨ અને ૩ના પ્રક્ષેપણ સમયે ઈસરોના સહયોગી એરોસ્પેસ સાયન્ટિસ્ટ પ્રોફેસર રાધાકાંત પાધીએ પણ દાવો કરતા કહ્યું હતું કે, ચંદ્રયાન-૨ની નિષ્ફળતા બાદ ઈસરોએ ઘણા સુધારા કર્યા અને આ રીતે ચન્દ્રયાન-૩ બનાવ્યું.
દરમિયાનમાં, ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે વિક્રમ લેન્ડર સંપૂર્ણપણે તૈયાર છે. ચંદ્રયાનના ચંદ્રની સપાટી પર લેન્ડ થવામાં હવે ફક્ત ૩ જ દિવસ બાકી છે. ચંદ્રયાન ૩નું લેન્ડર ૨૩ ઓગસ્ટે ૨૦૨૩ના રોજ સાંજે ૬ વાગ્યે અને ૪ મિનિટે ચંદ્રની સપાટી પર લેન્ડ કરી શકે છે. આ દરમિયાન ચંદ્રયાન-૩એ ચંદ્રની નવી લેટેસ્ટ તસવીરો મોકલી હતી.
રવિવારે જ વિક્રમ લેન્ડરનું બીજી વખતનું ડિબૂસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું હતું. હવે લેન્ડર અને ચંદ્ર વચ્ચે ફક્ત ૨૫ કિ.મી. જેટલું જ અંતર રહી ગયું છે. આ દરમિયાન ઇસરોએ લેન્ડર વિક્રમ દ્વારા લેવામાં આવેલી ચંદ્રની નવી તસવીરો જાહેર કરી છે. આ તસવીરો ખૂબ જ નજીકથી લેવામાં આવી છે. ઈસરો દ્વારા જારી કરાયેલી તસવીરોમાં અલગ અલગ સપાટી જાેવા મળી રહી છે. જેને નોટ કરવામાં આવી રહી છે. ચંદ્રની સપાટી પર લેન્ડ થયા બાદ રોવર કુલ ૧૪ દિવસ સુધી રિસર્ચ કરશે અને માહિતી એકઠી કરશે. રોવર પ્રજ્ઞાનનું આયુષ્ય ચંદ્રના એક દિવસ બરાબર એટલે કે ૧૪ દિવસનો રહેશે. રોવર ચંદ્ર પર એલ્યુમિનિયમ, સિલિકોન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ટાઈટેનિયમ, કેલ્શિયમ અને આયરન સંબંધિત માહિતીઓ એકઠી કરશે.
