કોરોના કાળ બાદ રેપોરેટમાં સતત વધારો થવાના કારણે હોમ લોનના હપ્તા મોંઘા થઈ રહ્યા છે. દેશના ટોચના શહેરોમાં લોકોને મોંઘવારી નડી રહી છે. ત્યારે દેશમાં અમદાવાદ અત્યારે સૌથી સસ્તું શહેર હોવાનું પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના રિપોર્ટ પરથી જાણવા મળે છે. આ યાદી મુજબ હાલ મુંબઈ દેશનું સૌથી મોંઘું શહેર છે. ત્યારબાદ હૈદરાબાદ, બેંગલોર અને ચેન્નાઈનો ક્રમ આવે છે. રિપોર્ટ મુજબ અમદાવાદીઓ પોતાની આવકમાંથી ૨૩ ટકા રકમ હોમ લોનના હપ્તા ભરવામાં ખર્ચે છે. જ્યારે મુંબઈમાં લોકો પોતાની આવકની ૫૫ ટકા રકમ તેમાં વાપરે છે. નાઇટ ફ્રેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલા અફોર્ડેબીલિટી ઇન્ડેક્સમાં માસિક હપ્તાના આધારે જીવનનિર્વાહને ધ્યાનમાં લેવાયું છે. જે તે શહેરમાં પરિવારની આવકમાંથી હોમ લોનના હપ્તા ભરવામાં ખર્ચ થતી રકમની ગણતરી કરવામાં આવી છે.
નાઈટ ફ્રેન્ક એફોર્ડેબીલિટી ઇન્ડેક્સ જે તે શહેરમાં ઘરના માસિક હપ્તા ભરવા ઘરની જરૂરી આવકનું પ્રમાણ સૂચવે છે. આ ઇન્ડેક્સમાં ૪૦ ટકાનું લેવલ ધરાવતા શહેરના લોકોને ઘરની હાઉસિંગ લોનના હપ્તા ભરવા પાછળ તેમની આવકનો ૪૦ ટકા ખર્ચ કરવો પડે છે. બીજી તરફ આવકની ૫૦ ટકાથી વધુ હોમ લોનના હપ્તામાં રકમ ભરવામાં આવતી હોય તો તેને અફોર્ડેબલ ગણવામાં આવ્યું નથી. રહેવા માટે મુંબઈ સૌથી મોંઘુ ગણાવાયું છે. મુંબઈમાં હોમ લોનના હપ્તા અને આવકનો રેશિયો ૫૫ ટકા જેટલો ઊંચો છે. એટલે કે, મુંબઈમાં રહેતા સરેરાશ પરિવારો પોતાની આવકમાંથી અડધાથી વધુ રકમ માત્ર હોમ લોનના હપ્તા ભરવાના ખર્ચી નાખે છે.
મુંબઈ બાદ હૈદરાબાદને સૌથી મોંઘુ શહેર ગણાવાયું છે. જ્યાં હોમ લોનના હપ્તા અને આવકનો રેસીયો ૩૧ ટકા જેટલો છે. ત્યારબાદ દિલ્હીનો નંબર આવે છે. જ્યાં લોકો પોતાની આવકમાંથી ૩૦ ટકા જેટલી રકમ હોમ લોનના હપ્તા ભરવામાં ખર્ચે છે. ત્યારબાદ કર્ણાટકનું બેંગલોર અને તમિલનાડુનું ચેન્નઈનો ચોથા ક્રમે સંયુક્ત રીતે છે. જ્યાં લોકો હોમ લોનના હપ્તામાં પોતાની આવકનો ૨૮ ટકા ભાગ ખર્ચે છે. ત્યારબાદ પુનામાં લોકો આવકની ૨૬ ટકા રકમ હોમ લોનના હપ્તામાં વાપરે છે. આટલી જ રકમ કલકત્તાના લોકો પણ ખર્ચે છે. આ ઇન્ડેક્સ મુજબ દેશમાં સૌથી કિફાયતી શહેર અમદાવાદ છે. અમદાવાદમાં લોકો આવકની ૨૩ ટકા રકમ હોમ લોનના હપ્તા ભરવામાં ખર્ચે છે. આ ઇન્ડેક્સમાં ૨૦ વર્ષની લોન ટર્મ, લોન-ટુ-વેલ્યુ રેશિયો ૮૦ ટકા અને શહેરોમાં ઘરના ચોક્કસ કદને ધ્યાનમાં લેવાયા છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગયા વર્ષથી અત્યાર સુધીમાં વ્યાજદરમાં ૨૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. જેના કારણે શહેરોમાં ઈસ્ૈં-ટુ-ઈનકમ રેશિયો લગભગ ૧-૨ ટકા પોઈન્ટ વધ્યો છે અને શહેરોમાં રહેવું વધુ ખર્ચાળ બન્યું છે. વ્યાજદર વધવાના કારણે હપ્તા ભરવાનો બોજ સરેરાશ ૧૪.૪ ટકા વઘ્યો છે. સૌથી વધુ અસર રૂ.૫૦ લાખથી ઓછી કિંમતના મકાન પર થઈ છે. રિપોર્ટ પ્રમાણે આ કેટેગરીમાં વેચાણ ઘટ્યું છે. આ સેગમેન્ટમાં ઘર ખરીદતા લોકો હોમ લોન પર વધુ ર્નિભર હોય છે. વ્યાજદરમાં વધારાના કારણે લોનના હપ્તાની રકમમાં વધારો તેમને પરવડી શકે તેમ નથી. બીજી તરફ મીડ અને પ્રીમિયમ સેગમેન્ટમાં માગ વધી રહી છે. રૂપિયા ૫૦ લાખથી ૧ કરોડ વચ્ચેના મકાનના વેચાણમાં ઉછાળો આવ્યો છે. ચાલુ વર્ષે આવા ૫૯,૦૦૦ મકાનો વેચાયા છે. આ ઉપરાંત ચાલુ વર્ષે ૪૭,૦૦૦ પ્રીમિયમ મકાનો એટલે કે રૂ.૧ કરોડથી વધુના કિંમતના મકાનો વેચાયા છે.