અમદાવાદનાં ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં ૯ લોકોનાં મોત બાદ વડોદરા મહાનગર પાલિકા હરતકમાં આવી છે.
મ્યુનિસપલ કમિશ્નર દ્વારા વડોદરા શહેરનાં ૧૦ ફ્લાયઓવર બ્રિજ પર CCTV લગાવવાનો મહત્વનો ર્નિણય લીધો છે. સૌ પ્રથમ શહેરનાં ૧૦ બ્રિજ પર CCTV લગાવાશે. શહેરનાં ૧૦ બ્રિજ પર પોલ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ દરેક પોલ પર ૪ સીસીટીવી લગાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં ૭૫ થી વધુ કેમેરા ફ્લાયઓવર બ્રિજ પર લગાવાશે.
આ બાબતે વડોદરા મ્યુનિ. કમિશ્નર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ શહેરીજનોની સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનો પ્રોજેક્ટ છે. ૧૦ ફ્લાય ઓવર પર ૭૫ થી વધુ કેમેરા મુકાશે. સીસીટીવી કેમેરા લગાવવાથી ગુનાહિત પ્રવૃતિઓ અટકાવી શકાશે. તેમજ થયેલ ગુનાહિત પ્રવૃતિઓને ડામવા માટે સીસીટીવી ફૂટેજ મહત્વનાં બની શકે છે.
વડોદરા શહેરમાં આવેલા ત્રણ બ્રિજ પરથી કેટલાક લોકો નદીમાં કચરો નાંખતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જેઓને વાહન નંબરનાં આધારે પકડી પાડી રૂા. ૨૫૦૦૦ થી વધુનો દંડ ફટકાર્યો હતો.