મહારાષ્ટ્રના રાજકારણમાં સતત ઉથલપાથલ ચાલી રહી છે. અજિત પવારે તેમના કાકા શરદ પવારને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપવાની ઓફર કરી હોવાનું કહેવાય છે. આ અહેવાલો પર ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે અજીત એટલા મોટા નેતા નથી કે તેઓ શરદ પવારને ઓફર કરી શકે.
સંજય રાઉતે કહ્યું કે અજિત પવારને શરદ પવારે બનાવ્યા હતા. એવું નથી કે ભત્રીજાએ કાકાને બનાવ્યા. તેમણે કહ્યું કે પવાર સાહેબે સંસદીય રાજકારણમાં ૬૦ વર્ષથી વધુ સમય પસાર કર્યો છે. આ ઉપરાંત તેઓ ચાર વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
તેમનું જે કદ છે તે ખુબ મોટું છે. રાઉતે વધુમાં કહ્યું કે અજિત પવાર એટલા મોટા નથી બન્યા કે શરદ પવારને કોઈ ઓફર કરી શકે.
સંજય રાઉતે સોમવારે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીનું નામ બદલીને પ્રધાનમંત્રી મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટી કરવા પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમની પાસે બીજું શું બાકી છે? તમે ઈમારતનું નામ બદલી શકો છો, પરંતુ ઈતિહાસમાં ઉલ્લેખિત પંડિત નેહરુનું નામ બદલી શકતા નથી. તમે મહાત્મા ગાંધી, પંડિત નેહરુ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, સાવરકર દ્વારા રચાયેલા ઈતિહાસને બદલી નથી શકતા. તમે તેમની જેમ ઈતિહાસ ન રચી શકો એટલા માટે તમે નામ બદલી રહ્યા છો.