અમદાવાદનાં બગોદરા-બાવળા હાઇવે પર ગઈકાલે થયેલા ગોઝારા અકસ્માતમાં ૧૧ જિંદગી બુઝાઈ ગઈ હતી. કપડવંજ તાલુકાના સુણદામાં મોડીરાત્રે મૃતદેહોને ગામમાં લવાતા હૈયાફાટ આક્રંદ છવાયો હતો. એક સાથે ૬ અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચઢયું હતું. હજારો લોકો અંતિમયાત્રામાં જાેડ્યા હતા. પરિવારજનોના હૈયાફાટ રુદનથી સુણદા ગામની ગલીઓમાં ગમગીની છવાઈ હતી. કોણ કોના આંસુ લૂ છે, એવી સ્થિતિ સર્જાઈ હતી. ચોટીલા દર્શન કરી પરત ફરી રહેલા કપડવંજ તાલુકાના સુણદા ગામના પરિવારનો છોટાહાથી એક ટ્રક પાછળ ઘૂસ્યો હતો. આ અકસ્માતમાં ૧૦ લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા અને ૯ લોકોને ઈજા પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન વધુ એકનું મોત થતા મૃત્યુઆંક વધીને ૧૧ થયો છે.
આ ગોઝારો અકસ્માત ૧૧ લોકોને ભરખી ગયો છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના છેવાડાના ગામ સુણદા ગામે રહેતા ઝાલા પરિવારના ૧૯ જેટલા લોકો પરિવારના સદસ્યની માનતા પૂર્ણ કરવા માટે ચોટીલા ચામુંડા માતાજીના મંદિર ખાતે ગયા હતા ત્યારે આવતા સમયે બગોદરા-બાવળા હાઈવે પર ગોજારો અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ ગામમાં ભારે સન્નાટો છવાઈ ગયો છે. ગોજારા અકસ્માત બાદ મૃતદેહોને ગામમાં લવાતા હૈયાફાટ આક્રંદ જાેવા મળ્યો હતો. ગામમાં મોટાભાગના ઘરે સાંજે ચુલો ન સળગ્યો, પરિવારના પડખે આવી ઉભા રહ્યા હતા. મોડી રાત્રે ગમમાં મૃતદેહો આવ્યા બાદ ગામમાં અંતિમ ક્રિયા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી હતી.
ગામમાં એક સાથે ૬ નનામીઓની સ્મશાન યાત્રા નીકળી હતી. ગામમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. આ સ્મશાન યાત્રામાં ગામમાં ૩ હજારથી વધુ લોકો જાેડ્યા હતા. વિસ્તારના ધારાસભ્ય માનસિંહ રાઠોડ પણ આવી પહોંચ્યા હતા. તેમજ કપડવંજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સાથે dysp, PI અને PSI સાથે પોલીસ કર્મચારી ઓ અને MGVCL કર્મચારીઓ દ્વારા સ્મશાન સુધીના રસ્તાની સુવિધા કરવામાં આવી હતી. ગામના સરપંચ મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, મને સવારે જાણ થતાની સાથે જ હું અને અન્ય વડીલો સાથે ધોળકા પહોંચ્યા હતા. જ્યાં મૃતદેહોની ઓળખાણ કરતા ૬ વ્યક્તિઓ અમારા ગામના હતા. જેમાં બે બાળકો, બે મહિલા અને બે પુરુષના દુઃખ મોત નિપજ્યા હતા, જ્યારે બાકીના લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.
