Credit Card
ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટમાં વિલંબ પર સુપ્રીમ કોર્ટે બેંકોને મોટી રાહત આપી છે. કોર્ટે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (NCDRC) ના જૂના નિર્ણયને ફગાવી દીધો છે, જેણે ક્રેડિટ કાર્ડ બિલ પર મોડી ચુકવણી કરનારાઓ પાસેથી મહત્તમ 30% વાર્ષિક વ્યાજ વસૂલવાની મર્યાદા નક્કી કરી હતી. આ નિર્ણય બાદ હવે બેંકો પોતાની રીતે વ્યાજ દરો નક્કી કરી શકશે.
શું છે મામલો?
આ મામલો 15 વર્ષ જૂનો છે, જ્યારે NCDRCએ આદેશ આપ્યો હતો કે ક્રેડિટ કાર્ડ બિલની સંપૂર્ણ સમયસર ચુકવણી ન કરવા અથવા માત્ર ન્યૂનતમ બાકી રકમ ચૂકવવા બદલ બેંકોને 30% થી વધુ વ્યાજ વસૂલવાનો અધિકાર નથી. કમિશને આને “અયોગ્ય વેપાર પ્રથા” ગણાવી હતી.
ત્રણ મોટી બેંકો – સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, સિટી બેંક અને HSBC એ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. બેંકોએ દલીલ કરી હતી કે વ્યાજ દરો અંગે નિર્ણય લેવાનો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નો વિશેષાધિકાર છે અને કમિશન માટે આમાં દખલ કરવી યોગ્ય નથી.
સુપ્રીમ કોર્ટનો નિર્ણય
સુપ્રીમ કોર્ટે NCDRCના આદેશને ફગાવી દેતા કહ્યું કે બેંકોને વ્યાજ દરો નક્કી કરવાનો અધિકાર હોવો જોઈએ. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે વ્યાજ દરો એવા ગ્રાહકોને લાગુ પડે છે જેઓ ચૂકવણીમાં ડિફોલ્ટ કરે છે, જ્યારે જેઓ સમયસર ચુકવણી કરે છે તેમને વ્યાજમુક્ત સમયગાળો અને અન્ય લાભો આપવામાં આવે છે.
શું કહે છે RBI?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ આ મુદ્દા પર કોર્ટને સંબોધતા કહ્યું કે તે બેંકોને “અતિશય વ્યાજ ન લેવા” માટે નિર્દેશ આપે છે, પરંતુ વ્યાજ દરોનું સીધું નિયમન કરતું નથી. આરબીઆઈએ આ જવાબદારી બેંકોના બોર્ડ પર છોડી દીધી છે.
નિર્ણયની અસર
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ બેંકોને ક્રેડિટ કાર્ડ ગ્રાહકો પાસેથી વધુ વ્યાજ વસૂલવાનો કાનૂની આધાર મળી ગયો છે. આ પગલું બેંકો માટે રાહતના સમાચાર છે, પરંતુ ગ્રાહકો માટે વિલંબિત ચુકવણી પર મોટો નાણાકીય બોજ છે.