રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે, તહેવારો નજીક આવતા જ સિંગતેલના ભાવ ભડકે બર્યા છે. બે દિવસ બાદ આજે ફરી સિંગતેલના ભાવમાં રૂ.૩૦નો વધારો થતાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સિંગતેલ ખાવું મુશ્કેલ બન્યું છે. સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.૩૧૦૦ને પાર પહોંચ્યો છે. સિંગતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણી અને સામાન્ય લોકોને ફરી એકવાર મોંઘવારીનો માર સહેવાનો વારો આવ્યો છે. તહેવારોની પૂર્વે ખાદ્યતેલના ભાવમાં ૩૦ ટકાનો વધારો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.૩૧૦૦ને પાર પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલમાં એક મહિનામાં ૧૦૦ રૂપિયાનો અને સોયાબીન તેલમાં પણ એક મહિનામાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો છે. હાલ કપાસિયા અને સોયાબીન તેલના ડબ્બાનો ભાવ રૂ.૧૭૦૦ને પાર બોલાઈ રહ્યો છે. તેલના ભાવમાં એવરેજ ૩૦ ટકાનો વધારો નોંધાયો છે. તહેવાર ટાણે જ તેલના ભાવ ઊંચકાયા જનતાના શીરે મોંઘવારીનો ભાર આવ્યો છે. જુલાઈ બાદ હવે ઓગસ્ટમાં પણ ખાદ્યતેલમાં તેજી અટકવાનું નામ નથી લેતી.
સિંગતેલના ભાવ ઊંચા બોલાઈ રહ્યા છે, જ્યારે મગફળીમાં ભાવમાં સામાન્ય વધઘટ રહી છે. યાર્ડમાં જાડી મગફળીમાં દૈનિક ૨૮૦ ક્વિન્ટલ અને ઝીણી મગફળીમાં ૧૪૦ ક્વિન્ટલની આવક થઈ છે. હાલ અત્યારે ખેડૂતો પાસે માત્ર ૧૦ ટકા જેટલી જ મગફળી રહી છે. તહેવારને કારણે સિંગતેલમાં ડિમાન્ડ વધારે છે, પરંતુ જેની પાસે મગફળી છે એ જરૂર પૂરતી જ મગફળીનો જથ્થો રિલીઝ કરી રહ્યા છે. જેને કારણે મિલમાં પિલાણ માટે મગફળી ઓછી આવી રહી છે. તહેવારોમાં સિંગદાણામાં પણ ડિમાન્ડ રહેતાં ભાવ રૂ.૨૨૨૫ થયા છે.
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદના કારણે ઉનાળુ પાક નિષ્ફળ ગયો છે. જેના કારણે મગફળીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવો પણ ઓલ ટાઈમ હાઇ છે. ગયા વર્ષે ખેડૂતોને ઓપન માર્કેટ યાર્ડમાં જ ખૂબ સારા ભાવ મળ્યા હતા. તેના કારણે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી ન હતી. જેનાથી આ વર્ષે નાફેડ પાસે મગફળીનો સ્ટોક નથી. એટલું જ નહીં મિલરો અને વેપારીઓનો મત છે કે હાલ ભાવ ઘટે તેવા કોઈ સંકેત નથી. વેપારીઓના મતે મગફળીનો ઉપયોગ ખારી સિંગ તેમ જ ફરસાણ બનાવતી કંપનીઓમાં વધી રહ્યો હોવાથી પુરવઠામાં પણ અછત વર્તાઈ છે અને સીધી અસર ભાવ પર પડી રહી છે. મગફળીના ઊંચા ભાવ છતાં ઓઇલ મિલરોને માલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.