Power Banks
Power Banks: ચીનથી આવી રહેલી સબસ્ટાન્ડર્ડ અને નબળી ગુણવત્તાવાળી પાવર બેંકો સામે સરકારે મોટી કાર્યવાહી કરી છે. આ પાવર બેંકોની આયાત રોકવા માટે સરકારે અનેક પગલા લીધા છે. આ પાવર બેંકો સલામતી ધોરણોને પૂર્ણ કરતી નથી અને વાસ્તવિક ક્ષમતા કરતા 50-60 ટકા ઓછી કામગીરી ધરાવે છે. સરકાર આવી સબસ્ટાન્ડર્ડ પાવર બેંકોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પાવર બેંકો તેમની નિર્ધારિત ક્ષમતા કરતા ઓછી કામગીરી કરી રહી છે.
બે કંપનીઓ પર પ્રતિબંધ
ચાઇનાથી આયાત કરવામાં આવેલી પાવર બેંકોથી મોબાઇલને બે વાર ફુલ ચાર્જ કરી શકાય છે, પરંતુ તે સ્ટાન્ડર્ડ પ્રમાણે નથી અને માત્ર એક જ વાર મોબાઇલ ચાર્જ કરવામાં સક્ષમ છે. બજારમાં વધતી સ્પર્ધાને ધ્યાનમાં રાખીને, ઘણી ભારતીય કંપનીઓ આ ચીની સપ્લાયર્સ પાસેથી સબસ્ટાન્ડર્ડ લિથિયમ-આયન સેલ ખરીદી રહી છે. BIS એ તાજેતરમાં બે ચાઈનીઝ સપ્લાયર્સ – ગુઆંગડોંગ ક્વાસુન ન્યુ એનર્જી ટેક્નોલોજી કંપની અને ગાંઝૂ નોવેલ બેટરી ટેકનોલોજી પર પ્રતિબંધ મૂક્યો છે. આ બંને સપ્લાયર્સનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે.

આ સિવાય અન્ય સપ્લાયર ગંઝૂ તાઓયુઆન ન્યુ એનર્જી કંપની બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)ના રડાર પર છે. અધિકારીઓએ ઓપન માર્કેટમાંથી આ કંપનીઓની પાવર બેંકોની તપાસ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે મોટાભાગની પાવર બેંકો તેમની ક્ષમતાના દાવા કરતા ઘણી ઓછી પાવરફુલ હતી. આ તપાસમાં જાણવા મળ્યું છે કે 10,000mAh બેટરી ક્ષમતા ધરાવતી ઘણી પાવર બેંકો વાસ્તવમાં માત્ર 4,000 થી 5,000mAhની ક્ષમતા ધરાવે છે.
ઉદ્યોગના એક અધિકારીએ જણાવ્યું કે પાવર બેંકમાં ઉપયોગમાં લેવાતા નબળી ગુણવત્તાવાળા લિથિયમ સેલ બજારમાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં યુઝર્સને આ પાવર બેંક ખરીદતી વખતે સાવધાન રહેવાની જરૂર છે. ચીનની કંપનીઓ નિયમોમાં રહેલી લૂપ-હોલ્સનો ફાયદો ઉઠાવીને બજારમાં નબળી ગુણવત્તાવાળી પાવર બેન્કની આયાત કરી રહી છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) પાસે ઉપકરણની સલામતી માટેના ધોરણો છે, પરંતુ કાર્યક્ષમતા પરીક્ષણ માટે કોઈ ધોરણ નથી. આવી સ્થિતિમાં ચીનના સપ્લાયર્સ આનો ફાયદો ઉઠાવીને બીજા દરની પાવર બેંકોની આયાત કરી રહ્યા છે.
નબળી ગુણવત્તાની બેટરીના ઉપયોગને કારણે કંપનીઓનો ખર્ચ ઘટી રહ્યો છે. કંપનીઓ BISને સારા સેમ્પલ મોકલી રહી છે જેથી કરીને તેઓ સુરક્ષાના ધોરણોને પૂર્ણ કરી શકે, પરંતુ બજારમાં નબળી ગુણવત્તાવાળી બેટરીઓવાળી પાવર બેંકો વેચી રહી છે. આ રીતે કંપનીઓ ખર્ચમાં 25 ટકા સુધીનો ઘટાડો કરી રહી છે. નબળી ગુણવત્તાના કારણે પાવર બેંકમાં વપરાતી બેટરીની ક્ષમતા પણ ઓછી હોય છે. સામાન્ય રીતે, 10,000mAh લિથિયમ આયન બેટરીની કિંમત સેલ દીઠ રૂ. 200 થી રૂ. 250 વચ્ચે હોય છે. ચીની સપ્લાયર્સ તેને 150 રૂપિયામાં વેચી રહ્યા છે. સરકારના પગલા બાદ નબળી ગુણવત્તાવાળી પાવર બેંકો બજારમાંથી ગાયબ થઈ જશે, જેનો ફાયદો યુઝર્સને થશે.
