ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું ફોર્મ આખરે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર પરત ફરતું જાેવા મળ્યું હતું.
ટી૨૦ સિરીઝની ત્રીજી મેચમાં સૂર્યાએ ૪૪ બોલમાં ૧૮૮ના સ્ટ્રાઈક રેટ સાથે ૮૩ રનની શાનદાર મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આના આધારે ટીમ ઈન્ડિયાએ ૭ વિકેટે મેચ જીતીને ૫ મેચની સિરીઝને હજુ પણ જીવંત રાખી છે. સૂર્યકુમાર યાદવે ૮૩ રનની પોતાની સર્વશ્રેષ્ઠ ઇનિંગ દરમિયાન ઘણા રેકોર્ડ તોડવાનું પણ કામ કર્યું હતું.
સૂર્યાએ ત્રીજી ટી૨૦ મેચમાં માત્ર ૨૩ બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ ઇનિંગમાં સૂર્યાએ ૧૦ ચોગ્ગાની સાથે ૪ છગ્ગા પણ ફટકાર્યા હતા. આ સાથે સૂર્યકુમારે આંતરરાષ્ટ્રીય ટી૨૦ ક્રિકેટમાં પોતાના ૧૦૦ છગ્ગા પણ પૂરા કરી લીધા હતા. ભારત તરફથી રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ સૂર્યકુમાર યાદવ આ કારનામું કરનાર ત્રીજાે ખેલાડી છે.
સૂર્યકુમાર યાદવ હવે આંતરરાષ્ટ્રીય ટી૨૦ ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦૦ છગ્ગા ફટકારનાર ભારતનો પ્રથમ ખેલાડી બની ગયો છે. સૂર્યાએ પોતાની ૫૦મી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. જ્યાં રોહિત શર્માએ ૯૨મી મેચમાં જ્યારે કોહલીએ ૧૦૪મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. આ સિવાય સૂર્યકુમાર યાદવ એવિન લુઈસ પછી વિશ્વ ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦૦ છગ્ગા પૂરા કરનાર બીજાે બેટ્સમેન બની ગયો છે.
ત્રીજી ટી૨૦ મેચમાં સૂર્યકુમાર યાદવની ૮૩ રનની ઇનિંગ કેરેબિયન ધરતી પર તેની બીજી ટી૨૦ આંતરરાષ્ટ્રીય ઇનિંગ હતી. હવે તે વેસ્ટ ઈન્ડિઝમાં ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ફિફ્ટી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે.
આ સિવાય વિરાટ, રોહિત, ઋષભ પંત અને તિલક વર્માના નામ વેસ્ટ ઈન્ડિઝમાં ૧-૧ ટી૨૦ ઈન્ટરનેશનલ ફિફ્ટી નોંધાઈ છે. આ સાથે જ સૂર્યા હવે ટી૨૦ ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ચોથો ખેલાડી પણ બની ગયો છે.