Bharat Brand Phase 2 Launch
મોંઘવારીના ફટકામાંથી થોડી રાહત આપવા માટે, સરકારે મંગળવારે ‘ભારત’ બ્રાન્ડ હેઠળ સબસિડીવાળા દરે ઘઉંનો લોટ અને ચોખા વેચવા માટે ફેઝ-2 શરૂ કર્યો.
હવે 5 કિલો અને 10 કિલોના પેકેટમાં ઘઉંનો લોટ ₹30 પ્રતિ કિલો અને ચોખા ₹34 પ્રતિ કિલોના ભાવે મળશે. આ પેકેટ્સ NCCF, NAFED અને કેન્દ્રીય ભંડાર જેવી સહકારી સંસ્થાઓ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા વેચવામાં આવશે.આ સહકારી સંસ્થાઓની મોબાઈલ વાનને ફ્લેગ ઓફ કર્યા પછી, ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું, “લોકોને રાહત આપવા માટે આ એક અસ્થાયી પ્રયાસ છે.”

સરકારે આ તબક્કા-2 માટે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) તરફથી 3.69 લાખ ટન ઘઉં અને 2.91 લાખ ટન ચોખાની ફાળવણી કરી છે.
મંત્રીએ કહ્યું, “જ્યાં સુધી ફાળવેલ સ્ટોક ખતમ ન થાય ત્યાં સુધી આ પ્રયાસ ચાલુ રહેશે. જો વધુ સ્ટોકની જરૂર પડશે, તો અમારી પાસે પૂરતો સ્ટોક છે અને ફરીથી ફાળવણી કરીશું.
‘સરકારનો હેતુ વેપાર કરવાનો નથી’
ઘઉંનો લોટ 5 કિલો અને 10 કિલોના પેકમાં ₹30 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ થશે, જ્યારે ચોખા ₹34 પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે. પ્રથમ તબક્કામાં આ દરો ₹27.5 અને ₹29 પ્રતિ કિલો હતા.
પ્રથમ તબક્કામાં ચોખાના ઓછા વેચાણ પર પ્રતિક્રિયા આપતા જોશીએ કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય બિઝનેસ કરવાનો નથી. તેમણે કહ્યું, “અમારો હેતુ લોકોને રાહત આપવાનો અને બજારમાં કિંમતોને નિયંત્રિત કરવાનો છે.” જોશીએ એમ પણ કહ્યું કે જો માંગ હશે તો અમે નાના પેકના વિકલ્પ પર પણ વિચાર કરીશું.
તમને જણાવી દઈએ કે, અગાઉના તબક્કામાં, જે ઓક્ટોબર 2023 થી 30 જૂન, 2024 સુધી ચાલ્યો હતો, 15.20 લાખ ટન ઘઉંનો લોટ અને 14.58 લાખ ટન ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
