દેશભરમાં મોંઘવારીનો માર દરેક તબક્કા અને વર્ગના લોકો સહન કરી રહ્યા છે. શાકભાજી અને ફળોના ભાવમાં તોતિંગ વધારાના કારણે ગૃહિણીઓના ઘરના બજેટ વેરવિખેર થઈ ગયું છે. એવામાં ઓગસ્ટ મહિનાના એક સરવેમાં વેજ થાળીના ભાવમાં કેટલો વધારો નોંધાયો અને કયા કયા પરિબળોએ ભાવ વધારામાં મુખ્ય ભૂમિકા ભજવી તેની જાણકારી આપવામાં આવી છે. લોકોના ભોજન સ્વાદ અને રસોડાનું બજેટ વેરવિખેર કરી નાખવામાં ટામેટાંની જ ભૂમિકા મુખ્ય માનવામાં આવી રહી છે.
ક્રિસિલના અહેવાલ મુજબ, આ થાળીઓની સરેરાશ કિંમતમાં અગાઉના મહિનાઓની સરખામણીએ જૂન-જુલાઈ ૨૦૨૩ના મહિનામાં ઘરખમ વધારો જાેવા મળ્યો છે. આ અહેવાલ અનુસાર વેજ થાળીના ભાવમાં સરેરાશ ૩૪% જેટલો વધારો નોંધાયો છે.
ભારતના દરેક ખૂણે એટલે કે દક્ષિણ, ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં થાળીની સરેરાશ કિંમત તેમાં લગતી ઈનપુટ કોસ્ટના આધારે નક્કી કરવામાં આવે છે. રિપોર્ટમાં શાકભાજી, મસાલા, અનાજ, કઠોળ, બ્રોઇલર, ખાદ્ય તેલ અને રાંધણ ગેસ જેવા વિવિધ વસ્તુઓની કિંમતો ધ્યાનમાં લેવામાં આવી છે, જેનો ઉપયોગ થાળીની વાનગીઓ બનાવવામાં કરાય છે. આ ઈનપુટ કોસ્ટને આધારે જુલાઈ મહિનામાં વેજ થાળીની સરેરાશ કિંમત ૩૩.૧ રૂપિયા રહ્યો છે, જે અનુક્રમે ૩૪ ટકાનો ભાવ વધારો દર્શાવે છે.
આ અહેવાલમાં દર્શાવ્યા મુજબ, શાકભાજી તેમાં પણ ખાસ કરીને ટામેટા અને રાંધણ તેલના ભાવમાં ભારે વધારાથી જુલાઈ મહિનામાં વેજ થાળીની કિંમત અનુક્રમે ૩૪ ટકા વધી છે. વેજ થાળીમાં વધારામાં મુખ્યભૂમિકા ભજવનાર ટામેટાની કિંમતમાં જૂન મહિનાની સરખામણીએ ભારે વધારો જાેવા મળ્યો હતો. પાછલા મહિનાઓમાં પ્રતિકૂળ હવામાનને કારણે દેશના વિવિધ ભાગોમાં ટામેટાંના ભાવ તાજેતરમાં આસમાને પહોંચ્યા છે. જેના કારણે આ શાકભાજીના ભાવમાં એકંદરે વધારો થયો છે. દેશભરના મોટાં શહેરોમાં ટામેટાંની કિંમત ૧૦૦ રૂપિયાને વટાવી ગઈ છે. જૂનમાં જયારે ટામેટાના ભાવ ૩૩ પ્રતિ કિલો નોંધાયા હતા ત્યારે જુલાઈમાં તેમાં ભારે વધારા બાદ ૧૧૦ રૂપિયા પ્રતિ કિલો સુધી વધયા હતા. જે આ થાળીના ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ સાબિત થઇ રહ્યું છે.