ISROનું ચંદ્ર પરનું મિશન અત્યાર સુધી સારું ચાલી રહ્યું છે અને ISROને આશા છે કે વિક્રમ લેન્ડર આ મહિનાના અંતમાં ૨૩ ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ચંદ્રયાન-૩ને ૨૨ દિવસ પહેલા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું, જ્યાં અત્યાર સુધી કોઈ દેશ પહોંચી શક્યો નથી. ભારતનું ત્રીજું માનવરહિત ચંદ્ર મિશન ચંદ્રયાન-૩ શનિવારે ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ્યું છે. ભારતના ચંદ્રયાન-૩ અવકાશયાને ૫ ઓગસ્ટ, ૨૦૨૩એ શનિવારે સાંજના ૭ઃ૧૫ વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળ અને સરળ રીતે પ્રવેશ કર્યો છે. આ સાથે જ ચંદ્રયાન-૩ મિશન હેઠળ ચંદ્રની પ્રથમ તસવીર પણ સામે આવી ગઈ છે. આ દરમિયાન ચંદ્રની ફરતે ચક્કર લગાવી રહેલા સ્પેસક્રાફ્ટમાં લાગેલા કેમેરામાં ચંદ્રનો એક વીડિયો પણ કેદ થયો છે. વીડિયોમાં ચમકદાર ચંદ્ર જાેવા મળી રહ્યો છે. વીડિયોમાં સ્પેસક્રાફ્ટમાં લાગેલી સોલાર પેનલ પણ જાેવા મળી રહી છે.
ચાંદની આ પ્રથમ ઝલકને ઈસરોએ ટિ્વટર પર શેર કરી છે. ચંદ્રયાન-૩ મિશન ૧૪ જુલાઈએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી અવકાશયાન પૃથ્વીની પાંચ પરિક્રમા કરીને ચંદ્ર તરફ રવાના થયું. શનિવારએ મિશન માટે મહત્વપૂર્ણ દિવસ હતો, કારણ કે ચંદ્રયાન-૩એ લૂનર ઓર્બિટ ઇન્સર્શન પૂર્ણ કર્યું હતું. સરળ ભાષામાં સમજીએ તો ચંદ્રયાન-૩ મિશન ચંદ્રની કક્ષામાં પહોંચી ગયું છે. હવે ચંદ્રયાન અવકાશયાનને ચંદ્રની ચાર પરિક્રમા કરવાનું છે અને તે પછી જ્યારે તે સપાટીની નજીક પહોંચશે ત્યારે તે ઉતરવાની તૈયારી પણ કરશે. અહીં નોંધનીય છે કે ચંદ્રયાન-૩ મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગ કરવાનો છે. આ પછી રોવર લેન્ડરમાંથી બહાર આવશે જે ચંદ્રની સપાટી પર ફરવા જઈ રહ્યું છે. તેને ચંદ્રની ખરબચડી સપાટી પર ચલાવવામાં આવશે. મિશન અંતર્ગત ચંદ્રની સપાટી પર જ અનેક પ્રયોગો કરવામાં આવશે.