તાજેતરમાં જ ગુજરાત એટીએસદ્વારા રાજકોટમાંથી આતંકી સંગઠન સાથે સંકળાયેલા અલકાયદાના ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આતંકીઓની રિમાન્ડ દરમિયાન પુછપરછમાં સામે આવ્યું હતું કે,ત્રણ આતંકી પૈકી એક સૈફ નવાઝ નામનો આતંકી અગાઉ જેતપુરમાં ૫ વર્ષ સુધી રહી ચૂક્યો છે. તે સોનીબજારમાં બંગાળી કારીગર તરીકે કામ કરતો હતો. હવે આ તપાસના તાર જેતપુર સુધી પહોંચે તેવી શક્યતાઓ છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અલ-કાયદા માટે કામ કરતા ત્રણ આતંકવાદી પૈકી સૈફ ઉર્ફે શોએબ નવાઝ નામનો આંતકવાદી જેતપુર સ્થિત મહંમદ ખેરુદ્દીન ઉર્ફે સિરાજ શેખ અને મહંમદ શાહબુદ્દીન શેખ ઉર્ફે શાહબુદ્દીન નામના બંગાળી મુસ્લિમભાઈઓને ત્યાં ૫ વર્ષથી સોનીકામ કરતો હતો. હાલ સોનીકામમાં મંદી આવતાં શાહબુદ્દીને રાજકોટમાં આવી પોતાનો વ્યવસાય નવેક મહિનાથી શરૂ કર્યો હતો અને ત્યાં ત્રણ જેટલા કારીગરોને સોનીકામે રાખ્યા હતા જેમાં આતંકી સૈફ નવાઝને પણ રાખ્યો હતો. જેતપુરના સાડી ઉદ્યોગમાં ૫૦,૦૦૦ કરતા વધુ પરપ્રાંતીય કારીગરો કામ કરી રહ્યા છે.
રાજકોટમાંથી ઝડપાયેલા આતંકવાદીઓ બીજા લોકોને અલ-કાયદા મોડ્યૂલ સાથે જાેડવા તેમજ જેહાદી પ્રવૃત્તિ તરફ જાેડવા કામ કરતા હોવાની માહિતી એટીએસને મળી હતી, ત્યારે શું આ આતંકવાદી જેતપુરમાં રહી આ પ્રવૃત્તિ કરી હતી કે કેમ અથવા જેતપુરના કોઈ શખસને પોતાની સાથે આ પ્રવૃત્તિમાં જાેડાવવા કામ કર્યું હતું કે કેમ એ દિશામાં તપાસ કરવામાં આવશે.