અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ ટ્રાફિક પોલીસ દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ટ્રાફિક નિયમો તોડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ૨૨ જુલાઈથી ૦૨ ઓગસ્ટ સુધીના કેસના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અમદાવાદમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ ટ્રાફિક વિભાગે ૧૧ દિવસમાં ૧૩૭૯ કેસ નોંધ્યા છે.
ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ અમદાવાદમાં હાથ ધરવામાં આવેલી ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા કુલ ૧૩૭૯ કેસ નોંધવામાં આવ્યા છે. જેમાંથી ઓવર સ્પિડના ૬૯૫ કેસ, નંબર પ્લેટ વગર વાહન ચલાવવાના ૬૭૩ કેસ, રેસિંગના ૩૬૮ કેસ નોંધાયા છે.
અહીં સૌથી નોંધનીય બાબત તો એ છે કે ગુજરાતમાં એક તરફ દારૂબંધી છે, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદ શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના ૩૧૬ કેસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવવાના ૧૬૨ કેસ નોંધાયા છે. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિક પોલીસના સહયોગથી સરખેજ તથા જાેધપુર વોર્ડમાં આવતા ઇસ્કોન ચાર રસ્તાથી કર્ણાવતી ક્લબ ચાર રસ્તા થઈને ઉજાલા સર્કલ સુધીના એસજી હાઈવેની બંને તરફના સર્વિસ રોડ ઉપર ગેરકાયદે પાર્ક કરાયેલા કુલ ૪૯ વાહનોને તાળા મારી કુલ ૨૪૫૦૦નો દંડ વસુલાયો હતો.
સમગ્ર રાજ્યની વાત કરીએ તો રાજ્યભરમાં એક અઠવાડિયાની ટ્રાફિક ડ્રાઈવમાં ૨૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. ૨૨ જુલાઈથી ૩૧ જુલાઈ સુધીમાં માત્ર ઓવર સ્પીડના ૨૦,૭૩૭ કેસ નોંધાયા છે. જ્યારે ડ્રિંક એન્ડ ડ્રાઈવના ૨૭૩૭ કેસ, ભય જનક રીતે વાહન ચલાવવાના ૬૧૭૪ કેસ નોંધાયા છે. આ ઉપરાંત પોલીસ દ્વારા ૮૭૬૬ વાહનો જપ્ત પણ કરાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯ જુલાઈની રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. એસ.જી હાઈવે પર આવેલા કર્ણાવતી ક્લબ તરફથી ફૂલ સ્પીડમાં આવી રહેલા જેગુઆર કારચાલકે ઇસ્કોનબ્રિજ પર લોકોના એક ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ જવાન સહિત ૯ લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જે બાદ રાજ્યભરમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી હતી.