Bullet Train Project
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: BEML લિમિટેડને બે ટ્રેન-સેટ બનાવવાનો ઓર્ડર મળ્યો છે જેમાં દરેક ટ્રેન-સેટમાં 8 કાર હશે. કંપનીએ 2026ના અંત સુધીમાં ડિલિવરી કરવાની રહેશે.
BEML કરશે બુલેટ ટ્રેનઃ જાહેર ક્ષેત્રની કંપની BEML લિમિટેડ દેશમાં ભારતની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન બનાવવા જઈ રહી છે. BEMLને બે હાઇ-સ્પીડ ટ્રેન સેટ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. ચેન્નાઈ સ્થિત ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીએ આ સરકારી કંપનીને બે બુલેટ ટ્રેનની ડિઝાઈન, મેન્યુફેક્ચરિંગ અને કમિશનિંગ માટે ટેન્ડર આપ્યું છે. BEMLએ તેની રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ માહિતી આપી છે.
સ્ટોક એક્સચેન્જો સાથેની નિયમનકારી ફાઇલિંગમાં, BEML લિમિટેડે જણાવ્યું હતું કે તેને બે હાઇ-સ્પીડ ટ્રેનસેટના ઉત્પાદન માટે ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નાઇ તરફથી ઓર્ડર મળ્યો છે. એક ટ્રેનસેટમાં 8 કાર હશે અને એક કાર 27.86 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. એટલે કે, BEML દ્વારા પ્રાપ્ત થયેલા આ કોન્ટ્રાક્ટની કુલ કિંમત રૂ. 866.87 કરોડ છે જેમાં ડિઝાઇન ખર્ચ, વન-ટાઇમ ડેવલપમેન્ટ કોસ્ટ, નોન-રિકરિંગ ચાર્જ, સ્પ્રિંગ્સ, ફિક્સર, ટૂલિંગ અને ટેસ્ટિંગ ફેસિલિટીનો એક વખતનો ખર્ચ સામેલ છે. ભારતની તમામ કંપનીઓ દ્વારા તેનો ઉપયોગ હાઇ-સ્પીડ પ્રોજેક્ટ માટે કરવામાં આવશે.
BEMLએ કહ્યું કે આ પ્રોજેક્ટ ભારતમાં હાઈ-સ્પીડ રેલ મુસાફરીની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ પહેલીવાર હશે જ્યારે 280 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન ભારતમાં ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવશે. બંને બુલેટ ટ્રેન બેંગલુરુમાં BEMLના રેલ કોચ કોમ્પ્લેક્સમાં બનાવવામાં આવશે અને તેની ડિલિવરીની સમયમર્યાદા 2026ના અંત સુધી નક્કી કરવામાં આવી છે. સંપૂર્ણ એરકન્ડિશન્ડ અને ચેર-કાર કન્ફિગરેશનની સાથે, BEMLની આ બુલેટ ટ્રેનમાં યાત્રીઓ માટે રિક્લાઈનિંગ અને રોટેટેબલ સીટો સહિત તમામ આધુનિક સુવિધાઓ હશે. બુલેટ ટ્રેનમાં ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ ઉપરાંત જે મુસાફરોને ચાલવામાં તકલીફ પડે છે તેમના માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવશે.
આ સમાચાર હોવા છતાં, BEML સ્ટોક મામૂલી ઘટાડા સાથે બંધ થયો. મંગળવારના ટ્રેડિંગ સેશનમાં, BEML શેર 0.29 ટકાના ઘટાડા સાથે રૂ. 3719.60 પર બંધ થયો હતો. જોકે BEML મલ્ટિબેગર સ્ટોક છે જેણે 2 વર્ષમાં 145%, 5 વર્ષમાં 323% વળતર આપ્યું છે.
