અમદાવાદ શહેરમાં અવારનવાર નાની-મોટી ચોરીની ઘટનાઓ બનતી રહે છે. મોટેભાગ ચોરો ગેંગમાં જ ત્રાટકતા હોય છે અને ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે. ત્યારે ગ્રામ્ય પોલીસે ચોરી કરતી એવી ગેંગ ઝડપી છે જેની મોડસ ઓપરેન્ડી જાણીને તમે પણ ચોંકી જશો. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ૨૦ લાખથી વધુના સોનાના દાગીના સાથે પુનિયા ગેંગના ત્રણ સાગરીતોની ધરપકડ કરી છે.
આરોપી ચોરી કરેલો મુદ્દામાલ બેન્ક લોકરમાં અને પરિવારજનોના ઘરે છુપાવીને રાખતો હતો. જેને કારણે આરોપી લાંબા સમય સુધી ધરપકડથી બચી શકે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની કસ્ટડીમાં આવેલા આરોપીઓ પૂનમભાઈ ઉર્ફે પુનો પગી, અલ્પેશ કોળી અને અશોક કોળી છે. આ તમામ આરોપીઓ અમદાવાદ ગ્રામ્યના કોઢ, નળ સરોવર, વિરમગામ અને સુરેન્દ્રનગરના વઢવાણના છેવાડાના વિસ્તારોમાં ચોરીને અંજામ આપતા હતા.પોલીસે આ પુનિયા ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસે આ ગેંગ દ્વારા આચરેલા સાત જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી ૨૦.૨૫ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. સોનાના દાગીના પોલીસે કબ્જે કર્યા છે.આ પુનિયા ગેંગના આરોપીઓ એવા મકાનોને ટાર્ગેટ કરતા હતા કે જેના માલિક પરિવાર સાથે બહાર અથવા છત પર સૂતા હોય. આરોપીઓ એટલા માહેર હતા કે, તિજાેરીની બાજુમાં સૂતેલા વ્યક્તિને પણ તેમની કરતૂતોને ખ્યાલ ન આવે. આ ઉપરાંત આરોપીઓ દરેક ચોરી બાદ ગેંગના સાગરીતો બદલી નાંખતા હતા. જેથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકે નહીં.
આ ઉપરાંત ચોરી કરેલો મુદ્દામાલ પણ ઝડપથી બજારમાં વેચતા નહીં. પરંતુ અલગ અલગ બેંકના લોકરોમાં તથા પોતાના પરિવારજનોને ત્યાં છુપાવી રાખતા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ બેંકમાં ગીરવે મૂકી રૂપિયા મેળવી મોજશોખ કરતા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપેલા લાભ પુનિયા ગેંગના આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ લાંબો છે. જેમાં મુખ્ય આરોપી પૂનમ ઠાકોર સામે ૧૫થી વધુ ગુના નોંધાયેલા છે. તો બીજી તરફ અલ્પેશ કોળી પટેલ વિરુદ્ધ ૧૧થી વધુ ગુના નોંધાયેલા છે. જાે કે, પોલીસ તપાસમાં હજી પણ વધુ કેટલાક આરોપી અને મુદ્દામાલ કબ્જે થાય તેવી શક્યતા છે.