સીકરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા જ રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું હતું. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને વડાપ્રધાન કાર્યાલય વચ્ચે ટિ્વટર પર આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો હતો. ગેહલોતે પીએમ મોદીના કાર્યક્રમમાં ત્રણ મિનિટના ભાષણ હટાવાયાની ફરિયાદ કરી હતી. ટિ્વટર પર જ પીએમનું સ્વાગત કરતાં તેમણે પોતાની છ માંગણીઓ પણ મૂકી. જાે કે, ટૂંક સમયમાં જ પીએમઓદ્વારા ગેહલોતના આરોપો પર જવા આપતા જણાવ્યું કે, સીએમઓઓફિસ રાજસ્થાન દ્વારા જ એવું કહેવામાં આવ્યું હતું કે, તેઓ હાજર રહી શકશે નહીં. ગેહલોતની ફરિયાદના જવાબમાં પીએમઓએ કહ્યું કે, પ્રોટોકોલ મુજબ, તમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ભાષણ માટે એક સ્લોટ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ સીએમઓઓફિસ તરફથી કહેવામાં આવ્યું કે, તમે આવી શકશો નહીં. પીએમઓએ એમ પણ કહ્યું કે, પીએમ મોદીના અગાઉના કાર્યક્રમોમાં પણ તેમને હંમેશા આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ આવે છે.
પીએમઓએ એમ પણ કહ્યું હતું કે, તાજેતરની ઈજાને કારણે આવવામાં કોઈ મુશ્કેલી ન હોય તો તે આવી શકે છે. વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે, આજના કાર્યક્રમમાં તમારું પણ સ્વાગત છે. વિકાસના કામોની તકતી પર પણ તમારું નામ છે. જાે તમારી તાજેતરની ઈજાને કારણે તમને આવવામાં વાંધો ન હોય તો તમારી હાજરી મહત્વપૂર્ણ રહેશે. આ પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટિ્વટર પર પીએમ મોદીને ફરિયાદ કરી હતી કે, પીએમઓએ તેમના ભાષણની તક છીનવી લીધી છે. તેણે ટ્વીટ કર્યું, ‘આજે તમે રાજસ્થાન આવી રહ્યા છો ત્યારે પીએમઓએ કાર્યક્રમમાંથી મારું પૂર્વ નિર્ધારિત ૩ મિનિટનું ભાષણ હટાવી દીધું છે, તેથી હું ભાષણ દ્વારા તમારું સ્વાગત કરી શકીશ નહીં, તેથી હું આ ટિ્વટ દ્વારા રાજસ્થાનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ગેહલોતે એમ પણ કહ્યું કે, રાજસ્થાન સરકાર ૧૨ મેડિકલ કોલેજાેમાં પણ યોગદાન આપી રહી છે જેના માટે તેઓ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. ગેહલોતે ટ્વીટ કરીને પીએમ સમક્ષ પોતાની છ માંગણીઓ પણ મૂકી.