સંસદના બંને ગૃહોમાં મણિપુર મુદ્દે હજુ હોબાળાની સ્થિતિ યથાવત્ છે. વિપક્ષે આજે કાળા કપડાં પહેરીને તેના તીખા મિજાજ બતાવી દીધા છે જ્યારે લોકસભાની કાર્યવાહી ભારે હોબાળાને પગલે સ્થગિત કરી દેવામાં આવી હતી. આ દરમિયાન એવા અહેવાલ છે કે કેન્દ્ર સરકાર દિલ્હીના અધિકારો સંબંધિત વટહુકમને સંસદમાં રજૂ કરી શકે છે. તેના લીધે તમામ વિપક્ષી દળોએ પણ કમર કસી લીધી છે. ઈન્ડિયાગઠબંધનમાં સામેલ તમામ પક્ષોએ વ્હિપ જારી કર્યો છે. તેમાં જેડીયુએ પણ મોનસૂન સત્ર માટે પાર્ટીના રાજ્યસભા સાંસદોને દિલ્હી સંબંધિત બિલ વિરુદ્ધ મતદાન કરીને પાર્ટીના વલણનું સમર્થન કરવા માટે વ્હિપ જારી કર્યું છે. જેના કારણે રાજ્યસભાના ઉપસભાપતિ અને જેડીયુ સાંસદ હરિવંશ નારાયણ સિંહ દુવિધામાં ફસાયા છે. તેમને પણ આ વ્હિપ લાગુ પડે છે.
તેમના કાર્યાલયે પણ આ મામલે વ્હિપ મળ્યાની પુષ્ટી કરી છે. તાજેતરમાં હરિવંશ અનેક અવસરે પાર્ટીથી અલગ ચાલતા દેખાયા હતા જેના બાદ તેમની અને પાર્ટી વચ્ચે મતભેદના અહેવાલ આવ્યા હતા. જાેકે હવે જાેવાનું એ રહેશે કે તેઓ કોની તરફેણમાં વોટ કરે છે. રાજ્યસભામાં જેડીયુના મુખ્ય સચેતક અનિલ હેગડેએ કહ્યું કે જ્યારે પણ મહત્ત્વપૂર્ણ બિલ આવે છે તો ન ફક્ત જેડીયુ પણ તમામ પક્ષો તેમના સાંસદોને વ્હિપ જારી કરે છે. તેમણે કહ્યું કે અમે અમારી પાર્ટીના સાંસદોને વ્હિપ જારી કર્યો છે. અમે હંમેશા આવું કર્યું છે.