૨૦ જુલાઈની એ ગોઝારી રાતે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેને લઇને રાજ્ય આખું હચમચી ગયું હતું. કાળ બનીને આવેલી જેગુઆર કારે એકી સાથે ૧૦ થી વધુ લોકોને અડફેટે લેતા માર્ગ મરણચીસોથી ગુંજયો હતો. તથ્ય પટેલ નામના એ નબીરાના પાપે ૯ લોકોને ઘટનાસ્થળે જ કાળ આંબી જતા કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. તો અન્ય એકે સારવાર દરમિયાન આખરી શ્વાસ ખેંચ્યા હતા. આ ઘટનાને લઇને સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ હવે પોલીસ તંત્ર જાગ્યુ છે અને નીતિ નિયમ નિવે મૂકીને ડ્રાઇવ કરનારા સામે પોલીસ રીતસરની મેદાને ઉતરી છે.
અમદાવાદ પોલીસે ટ્રાફિક અંગે ૨૪ કલાકમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી. જેમાં તપાસ દરમિયાન નિયમ ભંગના ૧૯૨ કેસ નોંધાયા હતા. બીજી બાજુ તપાસમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ, રેસ ડ્રાઈવ, અને ઓવર સ્પીડમા વાહન ચલાવતા શખ્સો પોલીસની ઝપટે ચડયા હતા. જેની સામે પોલીસે કાયદાનો દંડો ઉગામી નિયમોને અવગણના કરતા શખ્સોને પાઠ ભણાવ્યા હતા.
પોલીસના ચેકિંગ દરમિયાન ઓવર સ્પીડ ૫૭, ડ્રન્ક એન્ડ ડ્રાઈવના ૧૬ અને ભયજનક ડ્રાઈવિંગના ૧૧૯ કેસ નોંધાયા હતા. રાત્રિના સમયે નબીરાઓ કાળ બનીને વાહનો ચલાવતા હોવાથી અનેક લોકો આવા નબીરાઓના ભોગ બન્યા છે. અમુક કિસ્સાઓમાં તો આવારાતત્વોના પાપે લોકો મોતના ખપ્પરમાં પણ હોમાયા છે ત્યારે આ સમગ્ર સ્થિતિને ધ્યાને લઈ પોલીસે અનેક વિસ્તારમાં મોડી રાત્રે પેટ્રોલિંગની કાર્યવાહી કરી હતી. અનેક વિસ્તારોમાં રાત્રે ૧૧ પછી લારી-ગલ્લા સહિતની દુકાનો પણ બંધ કરાવી હતી.