જૂનાગઢ શહેરમાં સોમવારે એક ગોઝારી ઘટના બની હતી. જેમાં એક જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થતાં ચાર સભ્યોનું કાટમાળમાં દબાવાથી મોત નિપજ્યું હતું. આ ૪ લોકોમાં એક જ પરિવારના ૩ લોકોનો સમાવેશ થતો હતો. જેમાં પિતા સહિત ૨ બાળકોના મોત થયા હતા. ગઈકાલે મોડી સાંજે મૃતકના મોતથી વ્યથિત પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કમનસીબે તેમનું પણ આજે વહેલી સવારે મોત નીપજ્યું છે. આમ એક જ પરિવારના ૪ લોકોના મોતથી જૂનાગઢ સ્તબ્ધ થઈ ગયું છે. સોમવારે સાંજે ઇમારતના કાટમાળ નીચેથી દટાયેલી હાલતમાં પતિ સંજયભાઈ ડાભી અને પુત્ર દક્ષ અને તરૂણના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આમ પતિ અને પુત્રોના મૃત્યુનો આઘાત સહન ન કરી શકનાર મયુરીબેને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જેમને હોસ્પિટલમાં સારવાર દરમિયાન વહેલી સવારે મોત નીપજ્યું હતું. આમ, એક જ પરિવારના તમામ સભ્યોના મૃત્યુથી જૂનાગઢમાં અરેરાટીનો માહોલ વ્યાપી ઊઠ્યો છે. મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરતા જણાવ્યું કે ગઈકાલે બનેલી ઘટનામાં કમિશનર કે ટિપીઓ વિરુદ્ધ આ ગંભીર ઘટનામાં ૪ લોકોના જીવ ગયા છતાં ફરિયાદ નોંધાઇ નહોતી. જેથી એ વાતને લીધે આ આપઘાત કર્યું હોવાનું પરિવાર જણાવી રહ્યો છે. સમાજના અગ્રણી રાજુભાઈ સોલંકીએ પણ જણાવ્યું હતું કે, કમિશનર રાજેશ તન્ના અને ટીપીઓ બિપીન ગામીત વિરુદ્ધ ફરિયાદ થાય અને આ પરિવારને ન્યાય મળવો જાેઈએ.