અમદાવાદના મણિનગરમાં ભૈરવનાથ રોડ પર ૨ દિવસ પહેલા સર્જાયેલા અકસ્માત કેસમાં હવે વધુ કાર્યવાહી કરાઇ છે. અકસ્માત સર્જનારા યુવકોને દારૂ આપનાર બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ બંને લોકો પિતા-પુત્ર હોવાનો ખુલાસો થયો છે. દારૂની પરમિટ ધરાવનાર પિતા હિરેન ઠાકોર અને દારૂ યુવકોને આપનાર જયશીલ ઠાકોર હવે પોલીસના સકંજામાં આવી ગયા છે. બંને સામે ઇસનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી. જે બાદ વધુ તપાસ માટે મણિનગર પોલીસને સોંપી દેવાયા છે. હાલ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ દારૂ વેચાણના ગુનામાં બંને સામે કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે, ૨ દિવસ પહેલા મણિનગર રોડ પર નશાની હાલતમાં કાર હંકારી લોકોના જીવને જાેખમમાં મૂકીને અકસ્માત સર્જનારા યુવકોની કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે અકસ્માત સર્જનાર યુવક અને કારમાં સવાર અન્ય ૩ યુવક એમ કુલ ૪ યુવકો સામે કાર્યવાહી કરી છે. ત્યારે તેમને દારૂ આપનાર બંને પિતા-પુત્રની ધરપરડ કરી લેવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે.