ચોરી આચરતી તમિલનાડુની કુખ્યાત શેલમ ગેંગના મુખ્ય આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરવાના સાધનો મળી કુલ ૧.૨૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ પોલીસ તપાસમાં ૧૮ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે. સુરતમાં ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે સિંગણપોર હરી દર્શનના ખાડા પાસેથી તમિલનાડુની કુખ્યાત શેલમ ગેંગના મુખ્ય આરોપી પલની સ્વામી ઉર્ફે અન્નો મહાધીશ કઉન્દર અને પરમશિવમ ઉર્ફે તમ્બી કુલંથાઈવેલ દેવેન્દ્રને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરીને મેળવેલા બે મોબાઈલ ફોન તેમજ ૩ નંગ મંકી કેપ, ગરમ ટોપી, હાથના મોજાની ૪ નંગ જાેડ, ફૂલ ફેસ માસ્ક, પક્કડ, સ્ક્રુ ડ્રાઈવર, ૧ હાર્ડ ડિસ્ક, ૧ પાસબુક, એક એટીએમ કાર્ડ, રોકડા રૂપિયા ૭૦ હજાર, ચાંદીની એક લક્કી મળી કુલ ૧.૨૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
સુરત પોલીસ તપાસમાં સુરત તેમજ ગુજરાતના નડીયાદ, વાલોડ, સોનગઢ વગેરે મળી કુલ ૧૮ ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓની સ્કુલ-કોલેજાેમાં છેલ્લા દસેક વર્ષમાં આશરે ૫૦ થી વધુ ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે જણાવ્યું હતું કે, આરોપીઓ પોતાની તામિલનાડુની કુખ્યાત શેલમ ગેંગના સભ્યો સાથે મળી છેલ્લા દસેક વર્ષથી ગુગલ પર સર્ચ કરીને ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં આવેલી સરકારી તેમજ ખાનગી સ્કુલ કોલેજની રેકી કરી સ્કુલ-કોલેજની આજુબાજુમાં આવેલા ખેત કે વાડામાં આસાનીથી લોકોની નજર ન પડે તે રીતે અંધારામાં સંતાઈ જતા અને ચોરીને અંજામ આપતી હતી.ચોરી કરતી વખતે કોઈ ઓળખી ન શકે અને પોતાના ફિંગર પ્રિન્ટ ન આવે તે માટે મંકી કેપ તથા હાથ મોજા તથા સ્કાપ જેવું પહેરી મોડી રાતના સ્કુલ-કોલેજના પાછળના ભાગેથી દીવાલ કુદી અથવા સ્કુલની બારીની ગ્રીલ તોડી અથવા દરવાજાના લોક નકુચા તોડી અંદર પ્રવેશ કરી ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરા, ડીવીઆર, ટીવી, રાઉટર તથા તિજાેરી કબાટ ટેબલના ડ્રોઅરના લોક તોડી તેમાં રહેલા રોકડા રૂપિયા અથવા કીમતી ચીજવસ્તુઓની ચોરી કરતા હતા અને લોકર ફેકી દેતા હતા.
આ ઉપરાંત રાત્રી દરમ્યાન પોલીસનું પેટ્રોલિંગ રહેતું હોવાથી પોતે સવાર સુધી સ્કુલની આજુબાજુમાં સંતાઈ રહેતા અને સવારમાં સાડા પાંચ-છ વાગ્યા બાદ લોકોની અવરજવર થાય ત્યારે ચોરી કરેલો મુદામાલ લઈને ભાગી જતા હતા અને રોકડા રૂપિયાના ભાગ પાડી લેતા હતા અને કીમતી ચીજવસ્તુઓ પોતે સુરત શનિવારી બજારમાં તથા મુંબઈ દાદર ખાતે રવિવારી બજારમાં સસ્તા ભાવે વેચી દેતા હતા.