કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આજે બીજેપી હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પર જાેરદાર પ્રહાર કર્યા હતા અને તેમના રાજીનામાની માંગ કરી હતી. તેમણે રાજસ્થાનના સીએમને રાજીનામું આપવા પ્રશ્ન કરતા કહ્યું કે, રાજસ્થાન સરકારે મહિલા-મહિલા વચ્ચે ભેદભાવ ન કરવો જાેઈએ અને રાજસ્થાનમાં થઇ રહેલા અપરાધ બાદ શું અશોક ગેહલોતજી તેમના પદ પરથી રાજીનામું આપશે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, દેશના કેટલાક રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધની ઘટનાઓ વધી છે અને ઘણા રાજ્યોમાં તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બેગુસરાયમાં જે થયું તે આપણી સામે છે, પરંતુ મુખ્યમંત્રી નીતિશ કુમારે તેના પર એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. મહિલાઓ વિરુદ્ધ અપરાધમાં રાજસ્થાન નંબર વન રાજ્ય બની ગયું છે. ગુનેગારો સામે કોઈ પગલાં લેવાને બદલે મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યમાં મહિલાઓ પર થતા અત્યાચારો સામે અવાજ ઉઠાવવા બદલ તેમના એક મંત્રી રાજેન્દ્ર ગુડાની હકાલપટ્ટી કરી હતી.
અનુરાગ ઠાકુરે કહ્યું કે, રાજસ્થાનના સીએમને મારો એક જ સવાલ છે કે શું રાજસ્થાનની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સીએમની છે કે નહીં? રાજેન્દ્ર ગુડાના નિવેદન બાદ તેઓ રાજીનામું આપશે કે નહીં. રાજસ્થાનમાં બનેલી ઘટનાઓથી અશોક ગેહલોતને શરમ છે કે નહીં? ખડગે અને ગાંધી પરિવારના લોકો સામે સવાલ છે કે શું તેઓ રાજસ્થાનની જવાબદારી ભૂલી ગયા છે. શું વિપક્ષના નેતા રાજસ્થાન, બિહાર અને બંગાળમાં પણ તેમનું પ્રતિનિધિમંડળ મોકલશે?
બીજી તરફ, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ મણિપુર પર ચર્ચા કરવા કેમ તૈયાર નથી, તો તેમણે જવાબ આપ્યો કે ભાજપ સરકાર સંસદમાં મણિપુર અને મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા અપરાધ પર ચર્ચા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષ પોતે આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગતો નથી.