દિલ્હીમાં ફરીએકવાર યમુનાનું જળસ્તર વધવાને કારણે લોકોના હ્રદયના ધબકારા પણ વધવા લાગ્યા છે. ગઈકાલે ત્રીજી વખત યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું હતું. ગઈકાલે સાંજે લગભગ ૬ વાગ્યે યમુનાનું જળસ્તર ત્રીજી વખત ૨૦૫.૩૮ મીટરને વટાવી ગયું છે, જેના કારણે યમુના નજીક રહેતા લોકોની ચિંતા વધી ગઈ છે.
દિલ્હીમાં યમુનાનું પાણી ધીરે ધીરે ઘટી રહ્યું હતું તેવા સમાચાર વચ્ચે ગઈકાલે ફરીએકવાર યમુનાનું જળસ્તર વધતા લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે. પૂર પ્રભાવીત વિસ્તારોના લોકો પોતાનો પાણીમાં ડૂબી ગયેલો સામાનને સુકવીને બરાબર કરતા હતા ત્યા જ માથે ફરી પૂરનો ભય મંડરાઈ રહ્યો છે. લગભગ એક અઠવાડિયાથી પાણીમાં ડૂબેલા રાજઘાટ સંકુલમાંથી ગઈકાલે જ પાણી દુર કરવામાં આવ્યું હતું. યમુના નજીક સ્થિત આ ઊંડી જગ્યામાં પાણી વધવા પર ફરીથી પાણી ભરાઈ જવાનો ભય છે.
આ પહેલા યમુનાએ ૧૦ જુલાઈના રોજ ૨૦૫.૩૩ મીટરના ખતરાના નિશાનને પાર કર્યું અને ૧૩ જુલાઈના રોજ દિલ્હીમાં ૧૯૭૮ના પૂર દરમિયાન યમુનાએ તેનું પાણીનું સ્તર ૨૦૭.૪૯ મીટરના તેના રેકોર્ડ સ્તરને નીચે છોડી દીધા બાદ તેનું મહત્તમ જળ સ્તર જૂના રેલ્વે બ્રિજ પર ૨૦૮.૬૬ મીટરે પહોંચ્યું હતું. જાે કે છ દિવસ બાદ ૧૯ જુલાઈના રોજ સવારે ૫ વાગ્યે યમુનાનું પાણીનું સ્તર ૨૦૫.૨૨ મીટર પર ખતરાના નિશાનથી નીચે આવી ગયું હતું પરંતુ છ વાગ્યાથી તેનું પાણીનું સ્તર ફરી વધવા લાગ્યું છે. સવારે સાત વાગ્યે યમુનાએ ખતરાના નિશાનને પાર કરી લીધું હતું. સાંજે ૫ વાગ્યા સુધીમાં તેની જળ સપાટી ૨૦૫.૭૯ મીટરે પહોંચી હતી.
આ બાદ ગઈકાલે સાંજે ૬ વાગ્યે ત્રીજી વખત ઘટ્યા બાદ યમુનાનું પાણી ફરીથી ખતરાના નિશાનને પાર કરી ગયું હતું. પ્રશાસન દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પહાડી વિસ્તારોમાં સતત ભારે વરસાદને કારણે યમુનાનું જળસ્તર ફરી વધી રહ્યું છે.