હાલ સંસદમાં મોનસૂન સત્ર શરુ છે. જેની કાર્યવાહીમાં વિપક્ષના ભારે હોબાળાના કારણે સોમવાર સુધી કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. આ દરમિયાન ગઈ કાલે રાજ્યસભામાં રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવે ઓડિશા ટ્રેન દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા તેમનું કારણ જણાવ્યું હતું.
રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ‘સિગ્નલિંગ-સર્કિટ-ચેન્જ’માં ખામીને કારણે ૨ જૂને ઓડિશાના બાલાસોર જિલ્લામાં સિગ્નલમાં ખામીના કારણે ત્રણ ટ્રેનો વચ્ચે દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં ૨૯૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રેલવેમાં સિગ્નલ નિષ્ફળતાના ૧૩ કેસ નોંધાયા છે, પરંતુ એક પણ ઈન્ટરલોકિંગ સિગ્નલ સિસ્ટમમાં ખામીને કારણે નથી. રેલ મંત્રી વૈષ્ણવે ૨ જૂને ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન દુર્ઘટના અંગે વિવિધ સભ્યોના પ્રશ્નોના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. રેલ્વે સુરક્ષા કમિશનરના અહેવાલમાંથી વિગતો શેર કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, “સિગ્નલ સર્કિટ-ચેન્જમાં ખામી અને ઇલેક્ટ્રિક લિફ્ટિંગ બેરિયરને બદલવા સંબંધિત સિગ્નલિંગ કાર્યના અમલને કારણે આ દુર્ઘટના સર્જી હતી.
આ ખામીઓને કારણે ટ્રેન નંબર ૧૨૮૪૧ને ખોટું સિગ્નલ મળ્યું હતું. જેમાં સ્ટેશન પરના યુપી હોમ સિગ્નલે યુપી મુખ્ય લાઇન પર રન-થ્રુ મૂવમેન્ટ માટે લીલું સિગ્નલ આપ્યું હતું, પરંતુ યુપી મુખ્ય લાઇનને યુપી લૂપ લાઇન (ક્રોસઓવર ૧૭એ/બી) સાથે જાેડતો ક્રોસઓવર યુપી લૂપ લાઇન પર સેટ કરવામાં આવ્યો હતો. ખોટા સિગ્નલિંગના પરિણામે, ટ્રેન નં. ૧૨૮૪૧ યુપી લૂપ લાઇન પર દોડી હતી અને છેવટે તે ત્યાં ઉભેલી માલ ગાડી સાથે અથડાઈ હતી. મંત્રી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતા જાેન બ્રિટાસ અને આમ આદમી પાર્ટી (આપ)ના નેતા સંજય સિંહના રાજ્યસભામાં પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા.