રેલવેએ દિલ્હીની બે મોટી મસ્જિદો બંગાળી માર્કેટ અને આઈટીઓ સ્થિત તકિયા બબ્બર શાહને નોટિસ ફટકારી છે. નોટિસમાં રેલવેએ બંને મસ્જિદોના વહીવટીતંત્રને ૧૫ દિવસમાં દબાણ હટાવવા અંગે જણાવ્યું છે. અને જ તેને હટાવવામાં ન આવે તો તેના વિરુદ્ધ પગલા ભરવાની પણ ચેતવણી આપી છે. રેલવે દ્વારા જારી કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ૧૫ દિવસમાં દબાણ હટાવો નહીં તો અમે આવીને હટાવી દઈશું. બીજી તરફ મસ્જિદ સમિતિનું કહેવું છે કે, આ મસ્જિદો સેંકડો વર્ષ જૂની છે. પરંતુ રેલવે તેમની જમીન પર બનેલ હોવાનું કહી રહ્યું છે.
ઉત્તર રેલવે પ્રશાસને આ નોટિસ જારી કરીને તેમાં લખ્યું છે કે, રેલવેની જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું છે. તમે આ નોટિસના ૧૫ દિવસની અંદર રેલવેની જમીન પર બનેલ ગેરકાયદેસર ઈમારત/મંદિર/મસ્જિદ/મઝાર સ્વેચ્છાએ હટાવી દો અન્યથા રેલવે પ્રશાસન તેના વિરુદ્ધ પગલાં લેશે. રેલવે એક્ટની જાેગવાઈ પ્રમાણે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવશે. અને આ પ્રક્રિયામાં થતા કોઈપણ નુકસાન માટે તમે પોતે જ જવાબદાર રહેશો રેલવે પ્રશાસન તેના માટે જવાબદાર નહીં રહે.
મસ્જિદ તકિયા બબ્બર શાહના સેક્રેટરી અબ્દુલ ગફારના જણાવ્યા પ્રમાણે આ મસ્જિદ લગભગ ૪૦૦ વર્ષ જૂની છે. રેલવેએ આ મસ્જિદની બાજુમાં બનેલી એમસીડીની મેલેરિયા ઓફિસને પણ ખાલી કરવા માટે નોટિસ ફટકારી છે. ત્યાં નોટિસ પણ ચોંટાડવામાં આવી છે.